khissu.com@gmail.com

khissu

આવતી કાલથી બદલાઈ જશે ૧૦ નિયમો/ફેરફારો, તમારા ખિસ્સા પર અસર પડે તે પહેલા જાણી લો...

દર મહિનાના પ્રથમ દિવસે, કેટલાક નાના-મોટા ફેરફારો જોવા મળે છે. માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં મહિનાની શરૂઆત મોટા ફેરફારો સાથે થવા જઈ રહી છે.  આમાં જ્યાં એક તરફ PF એકાઉન્ટથી લઈને GST સુધીના નિયમો બદલાશે. બીજી તરફ, ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓને ટેક્સનો ફટકો પડશે. એટલું જ નહીં, 1 એપ્રિલથી મોંઘવારીના મોરચે લોકોને મોટો ઝટકો લાગવાનો છે. ચાલો કેટલાક મોટા ફેરફારો પર એક નજર કરીએ જે તમને સીધી અસર કરશે.

પીએફ ખાતા પર ટેક્સ
કેન્દ્ર સરકાર 1 એપ્રિલથી નવા ઈન્કમ ટેકસ કાયદા લાગુ કરવા જઈ રહી છે. 1 એપ્રિલ, 2022 થી, વર્તમાન પીએફ ખાતાને બે ભાગમાં વહેંચી શકાય છે, જેના પર પણ ટેક્સ લાગશે. નિયમો અનુસાર, EPF ખાતામાં 2.5 લાખ રૂપિયા સુધીના કરમુક્ત યોગદાનની મર્યાદા લાદવામાં આવી રહી છે.  જો આનાથી ઉપર યોગદાન આપવામાં આવશે, તો વ્યાજની આવક પર ટેકસ લાગશે. તે જ સમયે, સરકારી કર્મચારીઓના GPFમાં કરમુક્ત યોગદાનની મર્યાદા વાર્ષિક 5 લાખ રૂપિયા છે.

પોસ્ટ ઓફિસ નિયમો
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે જરૂરી ફેરફારો થવા જઈ રહ્યા છે.  1 એપ્રિલ, 2022 થી, પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ યોજના (POMIS), વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) અને ટર્મ ડિપોઝિટ એકાઉન્ટ્સ પરના વ્યાજના રૂપિયા ફક્ત બચત ખાતામાં જ ઉપલબ્ધ થશે. તમે પોસ્ટ ઓફિસમાં જઈને વ્યાજના પૈસા રોકડમાં નહીં લઈ શકો. બચત ખાતાને લિંક કરવા પર, વ્યાજના નાણાં ઇલેક્ટ્રોનિક રીતે ટ્રાન્સફર કરવામાં આવશે. સરકારે MIS, SCSS, ટાઈમ ડિપોઝીટ ખાતાઓના કિસ્સામાં માસિક, ત્રિમાસિક, વાર્ષિક વ્યાજ જમા કરાવવા માટે બચત ખાતાનો ઉપયોગ કરવો ફરજિયાત બનાવ્યો છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના નિયમો
1 એપ્રિલથી, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટેની ચુકવણી ચેક, બેંક ડ્રાફ્ટ અથવા અન્ય કોઈ ભૌતિક માધ્યમ દ્વારા કરી શકાશે નહીં.  મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શન એગ્રીગેશન પોર્ટલ MF યુટિલિટીઝ (MFU) 31 માર્ચ, 2022 થી ચેક-ડીડી વગેરે દ્વારા ચુકવણીની સુવિધા બંધ કરવા જઈ રહ્યું છે. ફેરફાર હેઠળ, 1 એપ્રિલ, 2022 થી, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે, તમારે ફક્ત UPI અથવા નેટબેંકિંગ દ્વારા ચૂકવણી કરવી પડશે.

એક્સિસ બેંક અને પીએનબીના નિયમોમાં ફેરફાર
1 એપ્રિલ, 2022થી એક્સિસ બેંકના સેલેરી અથવા સેવિંગ એકાઉન્ટ પરના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. બેંકે બચત ખાતામાં મિનિમમ બેલેન્સની મર્યાદા 10 હજારથી વધારીને 12 હજાર રૂપિયા કરી દીધી છે. AXIC બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બેંકે ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની નિર્ધારિત મર્યાદાને ચાર ફ્રી ટ્રાન્ઝેક્શન અથવા 1.5 લાખ રૂપિયામાં પણ બદલી દીધી છે. તે જ સમયે પંજાબ નેશનલ બેંક એપ્રિલમાં PPS  પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી રહી છે. 4 એપ્રિલથી 10 લાખ અને તેનાથી વધુના ચેક માટે વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.

GST ના સરળ નિયમો
CBIC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ) એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ ઈ-ઈનવોઈસ (ઈ-ઈનવોઈસ) જારી કરવા માટેની ટર્નઓવર મર્યાદા રૂ. 50 કરોડની અગાઉની નિયત મર્યાદાથી ઘટાડીને રૂ. 20 કરોડ કરી છે. આ નિયમ પણ 1 એપ્રિલ, 2022થી લાગુ કરવામાં આવી રહ્યો છે.

વરિષ્ઠ નાગરિકો માટે ખાસ FD બંધ
કોવિડ-19 રોગચાળા દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), ICICI બેંક, બેંક ઓફ બરોડા, HDFC બેંક સહિત વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ FD યોજના શરૂ થઈ હતી. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને FD પર વધુ લાભ મળી રહ્યો છે. જોકે, હવે કેટલીક બેંકો આ સ્કીમ બંધ કરી શકે છે.  એચડીએફસી બેંક અને બેંક ઓફ બરોડા વરિષ્ઠ નાગરિકો માટેની આ વિશેષ યોજનાઓને બે વર્ષ માટે સમાપ્ત કરી શકે છે કારણ કે આ બેંકોએ વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ FD યોજનાના આગળ વધારવાની  જાહેરાત કરી નથી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવી રહ્યું છે કે આ બંને બેંકો સ્પેશિયલ FD પ્લાન બંધ કરી શકે છે.

1 એપ્રિલથી ક્રિપ્ટોકરન્સી પર નવા નિયમો લાગુ થશે
1 એપ્રિલથી ક્રિપ્ટોકરન્સીના નિયમો પર ટેક્સ પણ સામેલ છે.  તાજેતરના બજેટમાં, નાણાંમંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે તમામ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (VDA) અથવા ક્રિપ્ટો એસેટ્સ પર 30 ટકાના દરે ટેક્સ લાગશે, જો તેના વેચાણ પર નફો થશે. આ સિવાય, જ્યારે પણ ક્રિપ્ટો એસેટ વેચવામાં આવે છે, તો તેના વેચાણ પર 1% TDS કાપવામાં આવશે.

દવાઓનો ખર્ચ વધુ થશે
1 એપ્રિલથી પેઈન કિલર, એન્ટીબાયોટીક્સ, એન્ટી વાઈરસ સહિતની આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. સરકારે સુનિશ્ચિત દવાઓ માટે 10 ટકાથી વધુના વધારાને મંજૂરી આપી છે.  ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સુનિશ્ચિત દવાઓના ભાવમાં 10.7 ટકા વધારાની મંજૂરી આપી છે, ત્યારબાદ હવે 800 થી વધુ દવાઓની કિંમતમાં વધારો થશે.

1 એપ્રિલથી ઘર ખરીદનારાઓને આંચકો
1 એપ્રિલ, 2022 થી, કેન્દ્ર સરકાર પ્રથમ વખત ઘર ખરીદનારાઓને કલમ 80EEA હેઠળ કર મુક્તિનો લાભ આપવાનું બંધ કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે 2019-20ના બજેટમાં કેન્દ્ર સરકારે 45 લાખ રૂપિયા સુધીનું મકાન ખરીદનારાઓને હોમ લોન પર વધારાના ₹1.50 લાખ આવકવેરાના લાભની જાહેરાત કરી હતી. બાદમાં બજેટ 2020 અને 2021માં આ સુવિધા વધારવામાં આવી હતી, પરંતુ આ વખતે નાણા મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2022ના રોજ રજૂ કરેલા બજેટમાં 1 એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ 2022-23થી આ સુવિધા વધારવામાં આવશે નહીં. આવા ઘર ખરીદનારાઓએ આગામી નાણાકીય વર્ષ 2022-23થી વધુ ટેક્સ ચૂકવવો પડી શકે છે.

ગેસ સિલિન્ડરની કિંમત વધી શકે છે
દર મહિનાની જેમ એપ્રિલના પ્રથમ દિવસે પણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. દેશમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતો દિવસેને દિવસે વધી રહી છે.  એવું માનવામાં આવી રહ્યું છે કે એપ્રિલમાં ફરી એકવાર ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે છે. નોંધનીય છે કે હાલમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરીને તેનો બોજ સામાન્ય જનતા પર નાખવામાં આવ્યો છે.