ગામડાંના લોકો પાસેથી અવારનવાર વરસાદને લઈને તમે ઘણાં શબ્દો-વાક્યો સાંભળ્યા હશે. જેમાં ખાસ કરીને વરસાદનાં અલગ-અલગ નક્ષત્ર અને મહિના મુજબ ભડલી વાક્યો અને લોકવાયકા સદીઓથી ખૂબ જ પ્રખ્યાત છે. ભડલી એક નાની છોકરીનું નામ હતું. આ વાત છે ઈ.સ. 900 આજુબાજુ નાં વર્ષોની.
આવનારું વર્ષ કેવું રહશે? આવનાર મહિનામાં કેવો વરસાદ પડશે? આ મહિને ઓછો વરસાદ નોંધાયો તો સારો ક્યારે પડી શકે? ખેડૂતના પાકને હાલ વરસાદ જરૂરી છે કે નહીં? ક્યારે સારો કહેવાઈ? વગેરેની સચોટ માહિતી ભડલી વાક્યો અને લોકવાયક માંથી મળી રહેતી હોય છે. હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, આગળ ભાદરવો મહિનો ચાલુ થશે તો જાણી લઈએ શું કહે છે વાક્યો?
ભડલી વાક્યો ક્યાંથી આવ્યાં?
રાજસ્થાનના મારવાડથી ભડલી વાક્યોની પરંપરા ગુજરાતમાં ચાલુ થઇ હતી. ઘણા ભડલીવાક્યો રાજસ્થાન અને ગુજરાતમાં મળતા આવે છે. ભડલી વાક્યોને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હુંડા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગામડાના મોટાભાગના ખેડૂતોના મુખથી ભડલીવાક્યો તમે સાંભળ્યા હશે.
શ્રાવણ માસ દરમ્યાન પ્રખ્યાત ભડલી વાક્ય?
" શ્રાવણ સુદી સપ્તમી, સ્વાતિ ઊગે સૂર.
ડુંગર બાંધો ઝુંપડા, પાદર આવે પૂર. "
એટલે કે શ્રાવણ મહિનાની સુદપક્ષ પછીની સાતમે, સૂર્યોદય સમયે સ્વાતી નક્ષત્ર ચાલુ થતું હોય તો, શ્રાવણ મહિનામાં ધોધમાર વરસાદ પડે. એટલે કે અતિવૃષ્ટિ પણ સર્જાઇ શકે છે. બીજી લાઈનમાં જણાવ્યું છે ડુંગર ઉપર ઝુંપડા (ઘર) બાંધવા કેમ કે પાદર (ગામમાં) પુર આવી શકે. એટલે કે જો આવો સંયોગ બને તો સાતમ-આઠમમાં સારો વરસાદ થઈ શકે છે.
" શ્રાવણ મહિનામાં પૂર્વેનો વાયુ, ભાદરમાં પશ્વિમ વાયુ જોરથી વાય.
હે કંથ! હલ બળદ વેચીને, પેટીયૂં રળવા દૂર દેશાવર જતાં રહીએ. "
અહીં ભડલી વાક્યને સરખી રીતે સમજવામાં આવે તો, શ્રાવણ મહિનામાં વધારે પડતો પૂર્વ દિશાનો પવન ફૂંકાય અને ભાદરવા મહિનામાં પશ્ચિમ દિશાનો પવન ફૂંકાય તો તે વધારે નુકસાનકારક ગણવામાં આવે છે. એનાં પરથી પાછળનાં દિવસોમાં વરસાદ પડવાની સંભાવનાઓ ખૂબ ઓછી હોય છે. એટલે કે દુષ્કાળ પણ પડી શકે છે.
જોકે નક્ષત્ર-વરસાદ-મહિના મુજબ ઘણાં બધાં વાક્યો હોય છે પરંતુ અહીંયા આવતાં મહિનાને લાગુ પડે તેવા ભડલી વાક્યો જ જણાવવામાં આવ્યાં છે. હાલમાં મઘા નક્ષત્ર ચાલુ છે તેની લોકવાયકા પણ આપ જાણો જ છો.
ખેડૂતો માટે મઘાનું પાણી સોના સમાન ગણાતું હોય છે. એવું કહેવાય છે કે,
" મઘા કે બરસે
માતૃ કે પરસે "
એટલે કે જો માતા ખાવાનું પીરસે તો પુત્રનું પેટ ભરાઈ એમ મઘા નક્ષત્ર વરસાદથી વરસે તોજ ધરતી માતાનું પેટ ભરાઈ. એટલે આ નક્ષત્રમાં સારો વરસાદ પડવાની આશ હોય છે. આ પરથી વધારે એક કહેવત પ્રખ્યાત છે "જો વરસે મઘા તો થાય ધાનનાં ઢગાં" એટલે કે મઘામાં સારો વરસાદ થાય તો ધાન્ય ના ઢગલા થાય.
મઘા નક્ષત્રનું પાણી અનેક ગણું ફાયદાકારક હોવાને કારણે તેમને ગંગાજળ સમાન ગણવામાં આવે છે. ઘણા લોકો મઘા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરે છે. આ નક્ષત્રનું પાણી આખું વર્ષ બોટલમાં ભરી ઘરમાં રાખી શકાય છે. તે પાણી ને કશું થતું નથી. જેવું છે તેવું ને તેવું જ રહે છે.