જુના વેરાનું વ્યાજ 100% માફ: રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, પાણી વેરો, લાઇટ વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા નવતર અભિગમ અપનાવ્યો છે. જે મુજબ જુના બાકી વેરા ભરનારને સંપૂર્ણ વ્યાજ માફી મળશે. જેમાં 31 માર્ચ સુધી બાકી વેરા ભરનારને આ લાભ મળશે અને 31 મે સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 10 ટકા વળતર અપાશે.
ખેડૂતો ડ્રોનથી કરશે ખેતી: ખેડૂતોની મદદ માટે મોદી સરકારે વિશેષ ઝૂંબેશના શ્રીગણેશ કર્યા છે. PM મોદીએ વિવિધ શહેરોમાં 100 કિસાન ડ્રોનનું ઉદ્ઘાટન કર્યું છે. આ કિસાન ડ્રોન દ્વારા ખેડૂતો આકાશમાંથી નીચે સરળતાથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શકશે. ગરુડા એરોસ્પેસે આગામી 2 વર્ષમાં ભારતમાં 1 લાખ ડ્રોન બનાવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. તો થોડા સમયમાં ખેડૂતો આ પ્રકારના ડ્રોન લઈ શકશે અને તેઓ તેમના ખેતરમાં ડ્રોન દ્વારા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી શકશે.
રાત્રિ કરફ્યૂ સંપૂર્ણ ખતમ: CM પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લીધેલા નિર્ણય મુજબ રાજ્યમાં કોરોના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના 6 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ સંપૂર્ણ રીતે હટાવી દેવામાં આવ્યો છે. માત્ર અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી રાત્રે 12 થી સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત લગ્ન સમારોહ માટે હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે નહીં.
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો કે, રાજ્યના 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ પણ ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગની સૂચના આપી દેવામાં આવી છે. તમામ મનપા કમિશનરે આ બાબતે અમલીકરણ કરવાનું રહેશે.
SBI ખાતું બંધ થઈ જશે: જો તમારું ખાતું SBIમાં હોય SBIએ તમારા માટે એક એલર્ટ જારી કર્યું છે. બેન્કે તેના બધા જ ગ્રાહકોને 31 માર્ચ 2022 પહેલા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની નોટિસ આપી દીધી છે. જો 31 માર્ચ પહેલાં તમે આ કામ નહીં કરો તો તમારી બેન્કિંગ સેવા બંધ થઈ જશે. તેમ SBIએ ટ્વિટ કરીને માહિતી આપી છે.
બાઈક સવાર માટે નવા નિયમો: માર્ગ અને પરિવહન મંત્રાલય 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાઈક પર લઈ જવા નવા નિયમો જાહેર કર્યા છે. આ અંતર્ગત બાઈક પર 4 વર્ષથી મોટી ઉંમરના બાળક માટે હેલ્મેટ ફરજિયાત રહેશે. જો 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકને બાઈક પર લઈ જવામાં આવે તો બાઈકની સ્પીડ 40 કિલોમીટર હોવી જોઈએ. 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તેમને બાઈક સવાર સાથે જોડવા સેફ્ટી બેલ્ટ અથવા હાર્નેસનો ઉપયોગ કરાશે.