વર્ષના છેલ્લા મહિનાના પહેલા દિવસે જનતાને રાહત, જાણો LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો

વર્ષના છેલ્લા મહિનાના પહેલા દિવસે જનતાને રાહત, જાણો LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો

વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો મિત્રો આજથી શરૂ થઈ ગયો છે.  સાથે જ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે, 1 ડિસેમ્બર 2025ના રોજ LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે. જેમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર (Commercial LPG Cylinder Price Cut) ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સીધો ફાયદો થશે.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹10 સુધીનો ઘટાડો

આજથી એટલે કે 1 ડિસેમ્બરથી દિલ્હીથી લઈને અમદાવાદ સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મહાનગરોમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં અંદાજે ₹10 થી ₹10.50 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે જાણો કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ શહેરવાર કેટલા થયા.

 

શહેર-પ્રમાણે કોમર્શિયલ LPGની કિંમત (1 ડિસેમ્બર, 2025)

દિલ્હી - નવો ભાવ ₹1580.50 (જૂનો ભાવ ₹1590.50 થી ઘટીને)

કોલકાતા - ₹1684 (₹1694 થી ઘટીને)

મુંબઈ - ₹1531.50 (₹1542 થી ઘટીને)

ચેન્નાઈ - ₹1739.50 (₹1750 થી ઘટીને)

ઘરેલુ LPG ભાવ સ્થિર (1 ડિસેમ્બર, 2025)

ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લો સુધારો 8 એપ્રિલ, 2025ના રોજ કરવામાં આવ્યો હતો, જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹50 નો વધારો કરવામાં આવ્યો હતો.

દિલ્હી: ₹853

કોલકાતા: ₹879

મુંબઈ: ₹852.50

ચેન્નાઈ: ₹868.50

અમદાવાદ: ₹860

આ વર્ષે LPG સિલિન્ડરની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો

આ વર્ષે LPG સિલિન્ડરની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષની શરૂઆતમાં 1 ઑક્ટોબરે ભાવમાં ₹15.50નો વધારો થયો હતો, પરંતુ તે પહેલાં સતત છ મહિના સુધી કિંમતોમાં ઘટાડો જ જોવા મળ્યો હતો. માર્ચમાં દિલ્હીમાં સિલિન્ડરની કિંમત ₹1803 હતી, જે 1 એપ્રિલે ઘટીને ₹1762 થઈ. ત્યારબાદ 1 મેના રોજ ભાવ ઘટીને ₹1747.50 થયો. 1 જૂને તે ₹1723.50, 1 જુલાઈએ ₹1665, 1 ઓગસ્ટે ₹1631.50 અને 1 સપ્ટેમ્બરે ₹1680 થઈ. આ રીતે, છ મહિનામાં કુલ ₹223નો ઘટાડો થયો છે.

જણાવી દઈએ કે, સ્થાનિક કર અને પરિવહન ખર્ચના કારણે દરેક રાજ્યમાં LPG સિલિન્ડરની કિંમત અલગ-અલગ રહે છે. દેશમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જેવી સરકારી તેલ કંપનીઓ દર મહીનાના પહેલા દિવસે LPG તથા એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં સુધારો અથવા ફેરફાર જાહેર કરે છે.