ભારતમાં રસીકરણ કાર્યક્રમ શરૂ થયાને એક વર્ષ પૂર્ણ થયું છે. આજદિન સુધીમાં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ 1 અબજ 56 કરોડ કોરોના રસીનો ડોઝ ભારતમાં લગાવાયા છે. આ વર્ષે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના વયજૂથ માટે રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. હવે માર્ચ મહિનાથી 12 થી 15 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન શરૂ થશે. આ માહિતી કોવિડ-19 પર ઇમ્યુનાઇઝેશન પર નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપના અધ્યક્ષ ડૉ. એનકે અરોરાએ આપી છે. અરોરાએ કહ્યું છે કે ફેબ્રુઆરીના અંત અથવા માર્ચની શરૂઆતમાં 12 થી 15 વર્ષના બાળકોને રસી આપવામાં આવશે.
3.31 કરોડ બાળકોને રસી અપાઇ
3 જાન્યુઆરીથી શરૂ થયેલ બાળકો માટેનું રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. 15 થી 18 વર્ષની વય જૂથના 3.31 કરોડ બાળકોએ અત્યાર સુધીમાં રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં આ વયજૂથના 45 ટકા બાળકોને માત્ર 13 દિવસમાં આવરી લેવામાં આવ્યા છે. ડૉ. અરોરાએ જણાવ્યું કે, દેશમાં 15 થી 17 વર્ષની વયના 7.4 કરોડ બાળકો છે. અમારો લક્ષ્યાંક જાન્યુઆરીના અંત સુધીમાં આ તમામ બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવાનો છે. આ પછી, અમે ફેબ્રુઆરીથી બીજો ડોઝ આપવા માટે અભિયાન ચલાવીશું. ફેબ્રુઆરીના અંત સુધીમાં બીજા ડોઝનો ટાર્ગેટ પણ પૂરો થઈ જશે. તેથી જ અમે ફેબ્રુઆરીના અંતથી અથવા માર્ચના પ્રથમ સપ્તાહથી 12 થી 14 વર્ષની વયના બાળકોને રસી આપવાનું શરૂ કરવા માંગીએ છીએ.
કિશોરવય માટે પ્રાથમિક્તા આપવા માંગે છે સરકાર
ડૉ એન કે અરોરાએ કહ્યું, 12 થી 17 વર્ષના બાળકો પુખ્ત વયના લોકો જેવા જ હોય છે. તેથી તેમને કોરોના સામે રક્ષણ પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. આ ઉંમરના બાળકો ખૂબ જ ગતિશીલ હોય છે અને તેમને ઘણું બધું ફરવું પડે છે. તેમને શાળા, કોલેજ જવું પડે છે, મિત્રોને મળવું પડે છે, તેથી તેઓને સંક્રમણનું જોખમ વધારે રહે છે.
ઓમિક્રોનની એન્ટ્રીથી આ જોખમ વધી ગયું છે. તેથી, સરકાર હવે આ બાળકોને પ્રાથમિકતા આપી રહી છે અને શક્ય તેટલી વહેલી તકે તેમને રસીનું કવચ પુરુ પાડવા માંગે છે ઈન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. પ્રમોદ જોગે જણાવ્યું હતું કે સરકારે કોઈપણ રોગથી પીડિત 5 થી 14 વર્ષની વયના બાળકોને પણ રસીના કવરેજમાં લાવવા જોઈએ