નાણામંત્રી નિર્મલા સીતારમણે કોવિડ-19 ની સ્થિતિને ધ્યાનમાં રાખી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અત્યાધુનિક બનાવવાનો નિર્ણય કર્યો છે. 1 ફેબ્રુઆરી 2022 ના રોજ બજેટ રજૂ કરવામાં આવશે. દેશને મહામારીથી સુરક્ષિત કરવા ભારતીય સરકાર સ્વાસ્થ્ય માટે વધારે સજાગ બની સહાયરૂપ નિર્ણય કરવાની છે. મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવતા બજેટ 2022માં આરોગ્યક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવામાં આવી શકે છે એટલે કે, 2022 માં આ સેક્ટરનું બજેટ વધવાની સંભાવના છે.
હેલ્થકેર સેક્ટરના બજેટમાં કેટલો થશે વધારો
હાલમાં મળેલ રિપોર્ટ મુજબ, કોવિડ-19 ની સ્થિતિને જોતા સરકાર આ વખતે સ્વાસ્થ્ય બજેટમાં 50 ટકાથી વધુ વધારો કરી શકે છે. આ પહેલાનાં બજેટમાં આ સેક્ટરને 2.38 લાખ કરોડ રૂપિયા આપવામાં આવેલા હતા જેની તુલનામાં 2022ના બજેટમાં અધધ વધારો થશે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત એવા પણ સૂત્રો મળ્યા છે કે આ વખતે ગત બજેટમાં કોરોના મહામારીનો સામનો કરવા માટે આપવામાં આવેલા ફંડમાં વધારો થવાની આશા છે. ગત બજેટમાં કોવિડ-19 નિયંત્રિત કરવા માટે રસીના ઉત્પાદન માટે 14,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જેથી હવે અપેક્ષા એવી છે કે 2022ના બજેટમાં પણ રસી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
રાજ્યોને મળશે 30 ટકા વધુ પૈસા
મળેલ રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકારની યોજનાઓને જમીન પર લાગુ કરવા માટે રાજ્યોને આપવામાં આવતી રકમમાં પણ હવે 30 ટકા જેટલો વધારો થઈ શકે છે. તેનો હેતુ એ છે કે રાજ્યોને રોગચાળાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારની યોજનાઓને લાગુ કરવામાં ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન આવે. આ સાથે નાણામંત્રી આયુષ્માન ભારત દ્વારા સમગ્ર મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ડિજીટલ કરવાનો પ્રયાસ કરશે જેથી કરીને લોકોને કોરોના યુગ દરમિયાન કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
આરોગ્ય બજેટ જીડીપીના 3 ટકા જેટલું હોવું જોઈએ
ધ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી(CII)ના પ્રમુખે બજેટમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે હેલ્થકેર માટેનો ખર્ચ હજુ પણ વધુ છે. તેમનુ કહેવું છે કે આ મહામારી દરમિયાન ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે. કમાણીમાં ઘટાડો થયો છે, જ્યારે આરોગ્ય ખર્ચમાં વધારો થયો છે. આવી પરિસ્થિતિ દરમિયાન સરકારે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાનું ચાલુ રાખવું જોઈએ. હાલમાં તે જીડીપીના 1.3 ટકા છે જેથી હવે તે વધારીને 3 ટકા કરવો જોઈએ. તેઓએ કહ્યું કે દેશભરમાં પાયાની હેલ્થકેર ઉપલબ્ધ કરાવવી જોઈએ અને સરકારે તેના માટે નાણાં ફાળવવા જોઈએ.