khissu

મોંઘા સોનાએ વાટ લગાડી લીધી, સોનાનો ભાવ 6 મહિનાની સૌથી ઉંચી ટોચે પહોંચ્યો, ખરીદનારા ભાંગી જશે!

Gold Prices At Record High: હાલમાં આખા ભારતમાં લગ્નની સિઝન છે અને તેના ઉપર સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં રેકોર્ડ વધારો લગ્નની સિઝનનો મૂડ બગાડી શકે છે. નબળા યુએસ ડૉલરને કારણે, સોનાના ભાવ છ મહિનાની ટોચ પર પહોંચી ગયા છે. આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો એક તોલાનો ભાવ 63,540 રૂપિયા ચાલી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત પ્રતિ ઔંસ $2,019.92 પર પહોંચી ગઈ છે. અગાઉ 16 મે, 2023 ના રોજ, સોનાની કિંમત પ્રતિ ઔંસ $ 2017.82 ના સ્તરે પહોંચી હતી. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ અપેક્ષા કરતા વહેલા તેની નાણાકીય નીતિમાં રાહત આપવાનું શરૂ કરી શકે છે, જેના કારણે સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. 

બીજી તરફ વૈશ્વિક અનિશ્ચિતતા, કમરતોડ ફુગાવો અને સમગ્ર વિશ્વમાં રાજકીય તણાવને કારણે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે.

ભારતમાં ગુરુ નાનક જયંતિના કારણે 27 નવેમ્બર સોમવારના રોજ બુલિયન બજાર બંધ રહ્યું હતું. પરંતુ મંગળવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં થયેલા વધારાની અસર ભારતીય બજારો પર જોવા મળી છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 નવેમ્બરે સોનાની કિંમત 61,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.

છેલ્લા બે મહિનામાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડેટા અનુસાર 4 ઓક્ટોબર 2023ના રોજ સોનાની કિંમત 56,627 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. એટલે કે બે મહિનાથી ઓછા સમયમાં સોનાની કિંમતમાં 4813 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે.

એક તો દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને તે દરમિયાન સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જે લોકો લગ્ન દરમિયાન સોનાના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના ખિસ્સા પર મોટો માર પડશે.