જો તમારું બેંક ખાતું દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક PNB માં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. કારણ કે બેંકે સેવિંગ ખાતા પરના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. 1 સપ્ટેમ્બરથી નવા દરો લાગુ થશે એટલે કે આજથી સેવીંગ ખાતા પર નવા દરો લાગુ કરવામાં આવશે. એનું મુખ્ય કારણ એ છે કે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને પંજાબ નેશનલ બેંકમાં મર્જ કરવામાં આવી છે. ગયા વર્ષે જ આ બે બેન્કો પંજાબ નેશનલ બેન્કમાં મર્જ થઈ હતી. હવે આ બંને બેંક શાખાઓ PNB ની શાખાઓ તરીકે કામ કરશે.
પીએનબીની ઓફીશીયલ વેબસાઈટ પરથી મળેલી માહિતી અનુસાર, બેંકના બચત ખાતા પરના વ્યાજ દરોમાં 0.10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવો વાર્ષિક વ્યાજ દર 2.90 ટકા રહેશે. જે હાલમાં 3 ટકા વાર્ષિક છે. PNB મુજબ, નવા વ્યાજ દરો બેંકના જૂના અને નવા ખાતાધારકોને લાગુ પડશે.
પંજાબ નેશનલ બેંક દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે. SBI સેવિંગ એકાઉન્ટ પર વાર્ષિક 2.70 ટકા વ્યાજ આપે છે. તેમજ કોટક મહિન્દ્રા બેંક અને ઇન્ડસઇન્ડ બેંક સેવિંગ એકાઉન્ટ પર વાર્ષિક 4-6% વ્યાજ દર આપે છે. જો આપણે ખાનગી બેન્કોની વાત કરીએ તો DCB બેંકમાં 3 થી 6.75 ટકા, RBL બેંકમાં 4.25 થી 6.25 ટકા, બંધન બેંકમાં 3 થી 6 ટકા, ઇન્ડસઇન્ડ બેંકમાં 4 થી 5.5 ટકા અને યસ બેંકમાં 4 ટકાથી 5.25 ટકા ગ્રાહકો વાર્ષિક વ્યાજ દર મેળવી રહ્યા છે.
સેવિંગ એકાઉન્ટનો ઉપયોગ વ્યક્તિ તેની કેશ મેનેજમેન્ટ સીસ્ટમ તરીકે કરી શકે છે. તેની મદદથી વીજળી-પાણીના બિલની ચુકવણી, લોનની EMI અને વીમા પ્રીમિયમ સરળતાથી આપી શકાય છે. ઘણા ઇન્ટરનેટ બેન્કિંગ પોર્ટલ ગ્રાહકોને સ્નેપશોટ આપે છે. આમાં, તેના ખાતાને લગતા તમામ ટ્રાન્જેક્શન જોઈ શકાય છે. ચુકવણી કરવા માટે બેંક એકાઉન્ટને BHIM, Google Play અથવા Paytm જેવી પેમેન્ટ એપ્લિકેશન સાથે જોડી શકાય છે.