khissu.com@gmail.com

khissu

આજના 8 મોટાં સમાચાર: રેલવે મુસાફરી મોંઘી, બુસ્ટર ડોઝ, કોરોના, અંબાલાલ પટેલ, AC, ફ્રિજ મોંઘા વગેરે

રેલવે મુસાફરી મોંઘી: રેલવે વિભાગ નવા બનેલા સ્ટેશન માટે 'સ્ટેશન ડેવલોપમેન્ટ ફી' વસૂલશે. તેથી લાંબા અંતરની રેલ્વે મુસાફરી હવે વધુ મોંઘી બનશે. જેમાં પ્લેટફોર્મ ટિકિટ 10 રૂ. મોંઘી થશે. જનરલ ટિકિટના બુકિંગમાં 10 રૂ. વધશે. સ્લિપર ક્લાસમાં 25 રૂપિયા એસડીએફ ચાર્જ લાગશે અને સૌથી વધુ AC ક્લાસની ટિકિટમાં 50 રૂપિયા વસૂલાશે. આમ રેલવેનું બુકિંગ હાલની સરખામણીએ મોંઘુ પડશે.

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે બેકાબૂ થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 25 કલાકમાં કોરોનાના નવા 6275 પોઝિટિવ કેસ નોંધાયા છે .જેના પગલે સાજા થવાનો દર પણ ઘટીને લગભગ 95 ટકાએ પહોંચી ગયો છે. જો ગુજરાતમાં આમ જ કેસ આવશે તો ઘરે ઘરે ખાટલા હશે તે નક્કી છે.

અંબાલાલ પટેલની.આગાહી: રાજ્યમાં લોકો હાલ 3 સીઝનનો અનુભવ કરી રહ્યા છે. ક્યારેક સખત ઠંડી તો, ક્યારેક દિવસ દરમિયાન ગરમી તો વરસાદ પણ પોતાની હાજરી આપે છે. આ વચ્ચે અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી સામે આવી છે કે, આવતીકાલથી ગાત્રો થીજવી દે તેવી ઠંડી પડશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઠંડીનો પારો 8 ડીગ્રી, જ્યારે રાજ્યના અન્ય ભાગમાં 12 ડિગ્રી રહેવાની શક્યતા છે.

AC, ફ્રિજ હવે મોંઘા: નવા વર્ષે ગ્રાહકોને વધુ એક ઝટકો લાગશે. FMCG કંપનીઓએ AC અને ફ્રિજની કિંમતમાં વધારો કર્યો છે. સાથે જ માર્ચ સુધીમાં વોશિંગ મશીનની કિંમત પણ 10% સુધી વધી શકે છે. હાયર એપ્લાયન્સીસ ઇન્ડિયાના પ્રેસિડન્ટના જણાવ્યા મુજબ કોમોડિટીના વધતા ભાવ, વૈશ્વિક ફ્રેઈટ ચાર્જ અને કાચામાલની કિંમતમાં વધારાને પગલે ફ્રિજ, વોશિંગ મશીન અને ACના ભાવમાં 3થી 5 ટકા સુધી વધારો કરવામાં આવ્યો છે.

આજથી બુસ્ટર ડોઝ શરૂ: દેશ માટે આજે મહત્વનો દિવસ છે. આજથી હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને ગંભીર રીતે બિમાર વરિષ્ઠ નાગરિકોને બુસ્ટર ડોઝ આપવામાં આવશે. આ અંતર્ગત દેશમાં 1 કરોડ સ્વાસ્થ્યકર્મી, 3 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ અને પહેલેથી બીમાર છે તેવા 60 વર્ષ અને તેનાથી વધુ ઊંમરના 2.75 કરોડ વરિષ્ઠ નાગરિકોને કોરોના રસીનો બુસ્ટર ડોઝ અપાશે. આ બુસ્ટર ડોઝ એને જ અપાશે જે વ્યક્તિઓએ વેક્સિનના બંને ડોઝ લીધા છે.

CNG અને PNG ના ભાવ વધ્યાં: ફરી એકવાર CNG અને PNGના દરમાં વધારો કરવામાં આવ્યો છે. સુધારેલા દરો અનુસાર, CNG ગેસમાં પ્રતિ કિલોગ્રામ 2.50 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે PNG ગેસમાં પ્રતિ યુનિટ 1.50 રૂપિયાનો વધારો થયો છે. આ નવો વધારો 8 જાન્યુઆરીની મધ્યરાત્રિથી લાગુ કરવામાં આવ્યો છે.

Paytmનું ટેપ ટુ પે ફીચર: Paytmએ 'ટેપ ટુ પે' ફીચર લોન્ચ કર્યું છે. જેના દ્વારા તમે ઇન્ટરનેટ વગર પણ પેમેન્ટ કરી શકશો. આ માટે યુઝરે ચુકવણી કરવા માટે QR કોડ સ્કેન કરવાની અથવા OTP દાખલ કરવાની કોઈ જરૂર રહેશે નહીં. ફક્ત મોબાઈલ ફોનને POS મશીન સાથે ટચ કરીને ચુકવણી કરવામાં આવશે. તમારા ફોનમાં ઇન્ટરનેટ ચાલુ ન હોય તો પણ ચુકવણી કરી શકશો.

અમદાવાદ એરપોર્ટ બંધ: અમદાવાદ એરપોર્ટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 17 જાન્યુઆરીથી 31 મે સુધી અમદાવાદ એરપોર્ટ સવારે 9થી સાંજના 6 કલાક સુધી બંધ રહેશે. સવારે 9 થી સાંજે 6 સુધી રન-વે રિકાર્પેટિંગની કામગીરી થશે. જેના કારણે સવારે 8 પહેલા અને સાંજે 6 વાગ્યા બાદ જ ઓપરેટ કરવામાં આવશે. સાથે જ 33 જેટલી ફ્લાઈટો રદ્દ પણ કરી દેવામાં આવી છે.