જો તમે સ્માર્ટફોનને બદલે ફીચર ફોનનો ઉપયોગ કરો છો, તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમે તમારા ફીચર ફોનથી પણ ડિજિટલ પેમેન્ટ કરી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે મંગળવારે ફીચર ફોન માટે UPI પ્લેટફોર્મ લોન્ચ કર્યું. UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) પર આધારિત આ પ્લેટફોર્મનું નામ UPI123 પે છે. તેમાં UPIની તમામ સુવિધાઓ હશે. તમને જણાવી દઈએ કે, NPCI UPI પ્લેટફોર્મ દ્વારા ડિજિટલ પેમેન્ટની સુવિધા પૂરી પાડે છે.
ડિજિટલ પેમેન્ટની શ્રેણીઓ
મળતા રિપોર્ટ્સ અનુસાર, ફીચર ફોનના યુઝર્સ પણ ઇન્ટરનેટ વિના ફીચર ફોન દ્વારા ડિજિટલ પેમેન્ટ કરી શકે છે. આ ડિજિટલ પેમેન્ટની ચાર શ્રેણીઓ છે.
1. IVRS દ્વારા ડિજિટલ પેમેન્ટ
2. એપ દ્વારા ડિજિટલ પેમેન્ટ
3. સાઉન્ડ આધારિત ડિજિટલ પેમેન્ટ
4. મિસ્ડ કોલ દ્વારા ડિજિટલ પેમેન્ટ
ફરિયાદ નિવારણ હેલ્પલાઇન
તમને જણાવી દઈએ કે, છેલ્લા 4 વર્ષમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 5 ગણાથી પણ વધુનો વધારો થયો છે. જો ડિજિટલ પેમેન્ટ સંબંધિત ફરિયાદો હોય તો તે માટે 24X7 હેલ્પલાઇન પણ ઉપલબ્ધ છે. ડિજીટલ પેમેન્ટને લગતી ફરિયાદોના નિવારણ માટે ડીજીસાથી(DigiSathi) હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
ફીચર ફોન યુઝર્સ માટે બહેતરીન વિકલ્પ
RBIએ લગભગ 400 મિલિયન ફીચર ફોન યુઝર્સ માટે ડિજિટલ પેમેન્ટ માટે UPI123 પે વિકલ્પ તૈયાર કર્યો છે. NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) આ પ્લેટફોર્મને રજૂ કરવા માટે લાંબા સમયથી કામ કરી રહ્યું હતું. આ અવસર પર, સેન્ટ્રલ બેંકે કહ્યું કે આવા યુઝર્સ તેના મિત્રો તથા પરિવાર સાથે આ પેમેન્ટ શરૂ કરી શકે છે, યુટિલિટી બિલ ચૂકવી શકે છે, તેમના વાહનોના ફાસ્ટેગ રિચાર્જ કરી શકે છે ઉપરાંત, મોબાઈલ બિલ પણ ચૂકવી શકે છે.
હેલ્પલાઇન
હેલ્પલાઈન વેબસાઈટ અને ચેટબોટ દ્વારા યુઝર્સ ડિજિટલ પેમેન્ટ અંગે જરૂરી માહિતી મેળવી શકશે. વપરાશકર્તાઓ www.digisaathi.info વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અથવા ચુકવણીઓ અને ફરિયાદો પર તેમના પ્રતિભાવ જાણવા માટે 14431 અને 1800 891 3333 પર કૉલ કરી શકે છે. UPI એ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે