ખેડૂતોની સુવિધા માટે સરકારે રવિવારે ઘઉંની ખરીદીની પ્રક્રિયા 31 મે, 2022 સુધી લંબાવી છે. વધતી કિંમતો અને ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવતા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ સરકારે આ જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે, સરકાર ખેડૂતોના આર્થિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સરકારે અગાઉ મોંઘવારીના દબાણમાં તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
જો કે, નિકાસ પર પ્રતિબંધની સૂચના પહેલા કરાર કરનારા નિકાસકારોને ઘઉં વિદેશ મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. નોટિફિકેશનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અન્ય કોઈ દેશની ખાદ્ય સુરક્ષા અથવા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારની પરવાનગીથી ત્યાં ઘઉંની નિકાસ કરી શકાય છે. આવી નિકાસ સંબંધિત દેશની સરકારની વિનંતીને આધીન રહેશે.
કંઝ્યુમર અફેયર્સ, ફૂડ એંડ ડિસ્ટ્રીબ્યૂશન મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે, "વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ અને બજાર કિંમત વર્તમાન રવી માર્કેટિંગ સિઝન 2022-23 દરમિયાન કેન્દ્રીય પૂલ હેઠળ ઘઉંની અંદાજિત ખરીદીને અસર કરી શકે છે." આ સાથે મંત્રાલયે કહ્યું છે કે સરકારે ઘઉંની નિકાસ પર પણ નિયંત્રણ કર્યું છે. Livemint એ મંત્રાલયને ટાંકીને કહ્યું કે ખેડૂતોના હિતમાં અને રાજ્ય સરકારોની વિનંતી પર નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને FCI ઘઉંની ખરીદી ચાલુ રાખી શકે છે.
માત્ર 180 લાખ મેટ્રિક ટન
ખેડૂતો તેમના ઘઉં રાજ્ય અથવા FCIને વેચી શકે છે. ખરીદી કેન્દ્રીય પૂલ હેઠળ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર થશે. ભારતમાં ઘઉંની ખરીદી ચાલુ છે. વર્તમાન રવિ બજાર સીઝન (RMS) 2022-23માં 14 મે, 2022 સુધી 180 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં 367 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી.