ભારતીય ચલણમાં આવતા બદલાવના કારણે લોકોની વિચારધારા એવી બની છે કે રૂપિયા 10 નો સિક્કો હવે લીગલ રહ્યો નથી. જો કે, અમુક સમયથી દુકાનદારો પણ આ સિક્કાને સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. દુકાનો ઉપરાંત ઘણી બધી જગ્યાઓએ 10 રૂપિયાના સિક્કાને અવોઇડ કરવામાં આવે છે.
કેન્દ્ર સરકારે સંસદમાં આ બાબત અંગે ખુલાસો કરતાં કહ્યું છે કે રિઝર્વ બેંક (RBI) વિવિધ થીમ, કદ અને ડિઝાઇનમાં 10 રૂપિયાના સિક્કા બહાર પાડે છે અને તે તમામ વ્યવહારો માટે માન્ય ગણાશે. તેનો ઉપયોગ ખરીદી અને વ્યવહારો માટે કાનૂની ટેન્ડર તરીકે થઈ શકે છે. હાલ, 10 રૂપિયાના ઘણા આકાર અને રંગના સિક્કા બજારમાં છે.
મોદી સરકારે સંસદમાં જવાબ આપ્યો
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ 8 ફેબ્રુઆરી, 2022 ને મંગળવારના રોજ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, દસ રૂપિયાના તમામ પ્રકારના સિક્કા કાનૂની ટેન્ડર છે.
તેમણે કહ્યું કે, દેશના ઘણા ભાગોમાં 10 રૂપિયાના સિક્કાને નકલી માનીને સ્વીકારવામાં આવતા નથી, પરંતુ એવું ન હોવું જોઈએ. સમયાંતરે 10 રૂપિયાના સિક્કા ન સ્વીકારવાની ફરિયાદો આવી છે પરંતુ આ કાનૂની ટેન્ડર છે. સંસદમાં માહિતી આપતા પંકજ ચૌધરીએ કહ્યું કે 10 રૂપિયાનો સિક્કો ન લેવા માટે કોઈ દુકાનદાર સામે કોઈ ફરિયાદ આવી નથી.
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક (RBI) 10 રૂપિયાના સિક્કા અંગેની ગેરસમજોને દૂર કરવા માટે સામાન્ય લોકોના મનમાંથી ડર દૂર કરવા માટે પ્રેસ રિલીઝ જારી કરે છે. જેથી કરીને લોકો તેનો ઉપયોગ ખચકાટ વગર કરી શકે.