આજે મહુવા યાર્ડમાં કે રાજકોટ યાર્ડમાં કે પછી ગોંડ યાર્ડમાં લેઇટ ખરીફ ડુંગળી વેચવા આવેલ ખેડૂતને અનાયાસે પૂછાઇ જાય કે કેમ ભાવ રહ્યાં ? જો ખેડૂત થોડું પણ ભણેલો હોય તો સરકાર વિરૂધ્ધની લાંબી પીડા સાંભળવી પડે. જો ખેડૂત અભણ અને સામાન્ય હોય તો એનાં ચહેરાની બદલાયેલ રેખાઓ જોઇ, આપણને અહેસાશ થઇ જાય કે દુઃખતી નશ દબાઇ ગઇ ! સરકારે ૮, ડિસેમ્બરે ડુંગળી ઉપર નિકાસબંધી લાદીને કોઇનું નહીં તો ડુંગળી ઉગાડતાં ખેડૂતોનું તો અહિત કર્યું જ છે
સરકારે ડુંગળીમાં નિકાસબંધીથી ખેડૂતની આવકમાં આગ ચાંપ્યા પછી, બજારો પાણી પાણી થઇ ગઇ છે. એક તરફ પ્રતિકૂળ હવામાનને લીધે લેઇટ ખરીફ ડુંગળીમાં વીઘા વરાળે ઉતારા કપાયા છે, તો બીજી તરફ મફતનાં ભાવે પીટાતી ડુંગળીએ ખેડૂતને ક્યાંયનો રહેવા દીધો નથી. દેશમાં ડુંગળી હાઇડે..હાઇડે..થઇ રહી છે, ત્યારે જે દેશોમાં ૪૦ ટકા ડ્યુટીએ પણ નિકાસ થતી હતી, ત્યાં ડુંગળીનાં ભાવ ભડકે બળી રહ્યાં છે.
સરકારે ડુંગળીમાં નિકાસબંધીની લાકડી ન ફટકારી હોત તો બજાર આરામથી પ્રતિ ૨૦ કિલો રૂ.૧૦૦૦ની સપાટી વળોટી ગઇ હોત. અત્યારે ખેડૂતો અને વેપારીઓ માટે ડુંગળી બજાર સાવ નીરસ થઇ ગઇ છે. કારણ કે ખરીફ નામની કોઇ ડુંગળીનો સંગ્રહ કરી શકાતો નથી એટલે બજાર રૂ.૯૦ આવે કે રૂ.૧૯૦ આવે, એને વેચ્યા વગર છૂટકોય નથી.
આ વખતે રવી ડુંગળી વાવેતરમાં પાણીનાં અભાવ અને ત્રણ વર્ષથી નીચા ભાવને કારણે ડુંગળી વાવેતરથી ખેડૂતોએ મોઢું ફેરવી લીધું છે, તોય સરકારે રવી વાવેતરનાં આખરી આંકડામાં મેળામાલની રવી ડુંગળીનું વાવેતર ગત વર્ષની તુલનાએ માત્ર ૧ ટકો ઘટાડીને ૬૯૧૮૦ હેકટરે પહોંચાડી દીધું છે, જે ગત વર્ષે ૬૯૭૮૦ હેકટરમાં હતું. બોલો, માની શકાય ?
તા. 07/02/2024, બુધવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 110 | 241 |
મહુવા | 100 | 277 |
ભાવનગર | 110 | 282 |
ગોંડલ | 71 | 276 |
જેતપુર | 51 | 261 |
વિસાવદર | 90 | 166 |
તળાજા | 102 | 245 |
ધોરાજી | 50 | 231 |
અમરેલી | 90 | 270 |
મોરબી | 100 | 300 |
અમદાવાદ | 100 | 300 |
દાહોદ | 100 | 340 |
વડોદરા | 100 | 360 |
તા. 07/02/2024, બુધવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
ભાવનગર | 230 | 271 |
મહુવા | 225 | 308 |
ગોંડલ | 211 | 271 |