સરકાર દ્વારા નિકાસબંધી લાદી દેવામાં આવતા ડુંગળીના ભાવ દિવસેને દિવસે ઘટી રહ્યા છે. જયારે બજારમાં છૂટક વેચાણમાં ડુંગળીના ભાવ આસામને ચડ્યા હતા. સરકાર દ્વારા નિકાસબંધી ડુંગળી ખાવા વાળા વર્ગને ધ્યાને લઇ કરાઈ હતી. ત્યારે ડુંગળીના ભાવ શાક માર્કેટમાં વધતા સરકારની નિકાકબંધીનો ફાયદો કોણે તે મોટો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે. કારણકે હાલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ડુંગળી ૧૫૦થી ૪૦૦ ની મણ વેચાઈ રહી છે
દેશમાં ડુંગળીની માંગને ધ્યાને રાખી અને ડુંગળીના ભાવ નિયંત્રણમાં રાખવા સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. દર વર્ષે સીઝનમાં ડુંગળીના આસમાને ચડી જાય છે. અને દેશમાં ડુંગળી ખાવાવાળા વર્ગને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ દેશમાં ડુંગળીના ઉત્પાદન મોખરે ગણાતા ભાવનગર જિલ્લામાં જેમાં પણ ખાસ કરીને મહુવા તાલુકાના ખેડૂતો મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરે છે.
પરંતુ સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી કરવામાં આવતા ખેડૂતોને ડુંગળીના ભાવો તળિયે પહોંચ્યા હતા. નિકાસબંધી પૂર્વે ૭૦૦ રૂપિયે પ્રતિમણ વેચાતી ડુંગળી હાલ ૧૫૦ રૂપિયે પ્રતિ મણના ભાવે વેચાઇ રહી છે. જ્યારે સતત વધી રહેલી આવકના પગલે ડુંગળીના ભાવમાં હજુપણ કડાકો બોલે એવી શક્યતાઓ ખેડૂતો જોઈ રહ્યા છે. ત્યારે પડતર કરતા પણ ઓછા ભાવે વેચાતી ડુંગળીના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચતા, સામાન્ય લોકો ડુંગળી ખાઈ ના શકે એવી સ્થિતિ જોતાં ડુંગળીના સતત ઊંચકાઈ રહેલા ભાવને કાબૂમાં લેવા સરકાર દ્વારા નિકાસબંધી જાહેર કરવામાં આવી હતી, પરંતુ રિટેઇલ માર્કેટમાં મોટાભાગે સંગ્રહ કરાયેલી ડુંગળી વધારે આવતી હોય સામાન્ય લોકોને ડુંગળીના હજુપણ પ્રતિકિલો ૪૦-૬૦ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એટલે આમ જોતા સરકાર દ્વારા જાહેર કરાયેલી નિકાસબંધીનો સામાન્ય લોકોને કોઈ ફાયદો થયો નથી. પરંતુ તેની સામે ડુંગળી પકવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો ચોક્કસ થયો છે.
ચાલુ વર્ષે ૭૦૦ થી ૮૦૦ રૂપિયા પ્રતિમણ ના ભાવે વેચાઇ રહી હતી, ભારતની બી ગ્રેડ અને સી ગ્રેડ ડુંગળી જે વિદેશમાં જઈ રહી હતી, તે નિકાસબંધી લાગુ થતાં વેપારીઓને એ ડુંગળી ભારતના લોકલ માર્કેટમાં જ વેચવાનો વારો આવ્યો છે, જેના કારણે સારી ડુંગળીના ભાવ પણ મળતા નથી, સરકાર દ્વારા નિકાસ ખુલ્લી કરવામાં આવે તો ભારતના નજીકના પાડોશી દેશો જેમાં બી અને સી ગ્રેડ ડુંગળીની માંગ છે. અને એ વેચાણ થઈ જતાં બાકી રહેલી સારી ડુંગળીના વેચાણથી ખેડૂતો અને વેપારીઓને પણ સારા ભાવ પણ મળી રહે એમ છે.
જોકે હાલની સ્થિતિને જોતા નિકાસબંધીનો ફાયદો કોને થાય છે. મોટો સવાલ ઉભો થઇ રહ્યો છે. જયારે હાલ સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી અંગે કોઈ નિર્ણય કરવામાં આવતો નથી. અને નિકાસબંધીનો ફાયદો લોકોને પણ નથી થઇ રહ્યો ઉપરથી ખેડૂતો દિવસેને દિવસે પાયમાલ થઇ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય કરવામાં.આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.
ડુંગળી લાલના બજાર ભાવ (30/12/2023)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 131 | 310 |
મહુવા | 100 | 430 |
ભાવનગર | 180 | 421 |
ગોંડલ | 61 | 361 |
જેતપુર | 41 | 291 |
વિસાવદર | 125 | 271 |
તળાજા | 242 | 285 |
ધોરાજી | 95 | 316 |
અમરેલી | 220 | 340 |
મોરબી | 100 | 400 |
અમદાવાદ | 460 | 400 |
દાહોદ | 100 | 440 |
વડોદરા | 180 | 500 |
ડુંગળી સફેદના બજાર ભાવ (30/12/2023)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
મહુવા | 242 | 451 |
ગોંડલ | 201 | 331 |