પહેલા સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પણ વધારો કર્યો હતો અને હવે ગેસના ભાવ વધવાથી સામાન્ય જનતા પર વધુ બોજ પડશે. વધેલી કિંમતો અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹૫૦નો વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે જ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સિલિન્ડરની નવી કિંમત હવે ₹૫૦૦થી વધીને ₹૫૫૦ થશે. જ્યારે અન્ય ગ્રાહકો માટે સરકાર દ્વારા નવી કિંમત ₹૮૦૩થી વધારીને ₹૮૫૩ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓને રસોઈ માટેનું બળતણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ ભાવ વધારાથી સૌથી વધુ અસર ગરીબી રેખા નીચે જીવતા ઉજ્જવલા યોજનાના લાખો લાભાર્થી મહિલાઓના ખિસ્સા પર પડશે. વધેલી કિંમતો અંગે કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે સરકાર દર ૨-૩ અઠવાડિયે તેની સમીક્ષા કરે છે. તેમણે કહ્યું કે આ વધારાનો મુખ્ય હેતુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને થયેલા અંદાજે ₹૪૩,૦૦૦ કરોડના નુકસાનની ભરપાઈ કરવાનો છે. આમ, આવતીકાલથી દિલ્હીથી લઈને હૈદરાબાદ સુધી દેશભરમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળશે.
જો કે, આ પહેલા ઘરેલું સિલિન્ડરની કિંમતમાં વધારો થયો તે પહેલા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ૧લી એપ્રિલના રોજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ₹૪૧નો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન ઓઇલે તેની કિંમત ₹૧૮૦૩થી ઘટાડીને ₹૧૭૬૨ કરી દીધી હતી.