ગયા વર્ષની જેમ વર્તમાન વર્ષમાં પણ રૂના ભાવ આસમાને જવાની આશાએ મોટા ખેડૂતો તથા નાના ટ્રેડરો રૂનો સંગ્રહ કરીને બેઠા હોવાથી રૂ પર આધારિત ઉદ્યોગો અને રૂના વપરાશકારોને હાલમાં ક્ષમતાથી નીચી સપાટીએ કામ કરવાનો વારો આવ્યો છે. કોટન યર ઓકટોબરથી શરૂ થઈ સપ્ટેમ્બરમાં પૂરું થાય છે.
હાલમાં બજારમાં રૂની આવક સામાન્ય કરતા ૩૫થી ૪૦ ટકા ઓછી થઈ રહ્યાનું સાઉથર્ન ઈન્ડિયા મિલ્સ અસોસિએશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું. રૂ પર ઈમ્પોર્ટ ડયૂટીને કારણે આયાત મારફત પણ રૂની આવશ્યકતા પૂરી કરી શકાતી નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું.
વર્તમાન વર્ષના ઓકટોબરથી ડિસેમ્બરના ગાળામાં ૮૦ લાખ ગાંસડી રૂની બજારમાં આવક સામે ૫૦ લાખ ગાંસડીની જ આવક થયાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
ખરીદદારો પાસે હાલમાં માલભરાવો થયો હોવાથી નિકાસ ઓર્ડર્સ પણ નીચા મળી રહ્યા છે, એવો તેમણે દાવો કર્યો હતો. વૈશ્વિક મંદીના ભયે પણ ભારતના ગારમેન્ટસ માટેની માગ પર અસર કરી છે.
ગુજરાતમાં બે દિવસની રજાઓ બાદ પણ કપાસની આવકો ઘટી ગઈ છેઅને ઓલ ઈન્ડિયા પણ આજ સ્થિતિ છે, જેને પગલે રૂનાં ભાવ વધ્યાં હોવાથી કપાસની બજારમાં પણ સરેરાશ ઘટાડો અટક્યો હતોઅને સરેરાશ ભાવ સ્ટેબલ રહ્યાં હતાં.
જોકે વેચવાલી નહીં આવે તો કપાસના ભાવ સુધરે તેવી ધારણાં છે. આગામી દિવસોમાં ખેડૂતોની વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આધાર રહેલો છે. કપાસ બ્રોકરો કહે છેકે ખેડૂતોને સારા ભાવ મળે તો જ તેઓ વેચાણ કરવાનાં મૂડમાં છે, જેને પગલે વેચવાલી આવતી નથી.