khissu

ભારતમાં ઉપલબ્ધ ત્રણેય રસીમાંથી સૌથી સારી રસી કઈ? કઈ રસી સૌથી વધુ અસરકારક? જાણો રસીની આડઅસર, બન્ને ડોઝ વચ્ચેનું અંતર, ક્યાં લોકોએ આ રસી ન લેવી તે અંગેની સંપુર્ણ માહિતી

ભારતમાં કોરોનાનાં કપરા કાળ વચ્ચે લોકો વધુ ચર્ચા એવી કરતા હોય છે કે શું કોરોનાની રસી મુકાવવી જોઈએ? રસીથી કોઈ આડઅસર તો નહિ થાય ને? અને રસી મુકાવવી છે પણ કંઈ રસી વધુ અસરકારક છે? રસીને લઈને તમને મુંઝવતા બધા પ્રશ્નોના જવાબ અહીંયા મળી જશે. કોરોનાની બીજી લહેરને કાબૂ કરવા માટે વધુમાં વધુ લોકો વેક્સિનેશન કરાવે તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 1 મે થી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત થઈ ચૂકી છે. ઘણાં રાજ્યોમાં વેક્સિનનાં ડોઝના અછત નાં લીધે 1 મે થી રસીકરણ શરૂ નથી થયું ત્યાં એક-બે દિવસમાં રસી આપવાનું કામ શરૂ થઈ જશે.

કોવિશિલ્ડ અને કોવેક્સિન આમ પણ 16 જાન્યુઆરી થી ઉપયોગમાં લેવાઈ રહી છે. હવે સ્પુટનિક વી પણ ઉમેરાઈ ગઈ છે. ત્રણેય વેક્સિન ભારતમાં કોરોના સામે લડવામાં મદદરૂપ બનશે. સારી વાત એ છે કે આ ત્રણેય રસી કોરોના સામે લડવામાં સક્ષમ છે, એટલે જ દુનિયાના વૈજ્ઞાનિકો કહે છે કે જે પણ વેક્સિન મળે એ લગાવી લેવી જોઇએ. 

ત્રણ માંથી કંઈ વેક્સિન વધુ સારી છે?

ભારતમાં કોરોના વાયરસ રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી થી કોવેક્સિન (COVAXIN) અને કોવિશીલ્ડ (Covishield) વેક્સિન (vaccine) નો ઉપયોગ થઈ રહ્યો છે. કોવેક્સિન ને સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી છે. કોવિશિલ્ડ વેક્સિન ને ઓક્સફર્ડ યુનિવર્સિટી (University of Oxford) અને એસ્ટ્રાજેનકા (AstraZeneca) એ મળીને વિકસિત કરી છે જે હવે પુણે ની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (Serum Institute of India) બનાવી રહી છે. જ્યારે 1 મે થી કોરોના સામેનાં યુદ્ધમાં સ્પુટનિક વી ને ઉમેરવામાં આવી છે. જે મોસ્કો નાં ગામેલિયા ઇન્સ્ટિટ્યૂટ (Gamaleya Research Institute of Epidemiology and Microbiology)રશિયન ડેવલપમેન્ટ ફંડ (Russian Direct Investment Fund -RDIF) ની સાથે મળીને બનાવી છે. ભારતમાં ડૉ. રેડ્ડીઝ લેબોરેટરી ની નીચે 6 કંપની આ વેક્સિન નુ પ્રોડક્શન કરી રહી છે. શરૂઆતમાં 1.25 કરોડ ડોઝ આયાત થવાના છે.

આ ત્રણેય રસીમાં અમુક અસમાનતા છે અને લાભો પણ છે. કોવિશિલ્ડ વેક્સિન દુનિયામાં લોકપ્રિય વેક્સિન માની એક છે. જેનો ઉપયોગ ઘણા દેશોમાં થઈ રહ્યો છે. WHO એ પણ કટોકટીના સમયમાં આ રસીને મંજુરી આપી દીધી હતી. જ્યારે કોવેક્સિન નો ઉપયોગ ફકત ભારતમાં જ થઈ રહ્યો છે. પરંતુ મ્યુંટન્ટ સ્ટ્રેન્સ સામે લડવામાં અસરદાર વેક્સિન બનીને ઉભરી આવી છે. આવી જ રીતે સ્પુટનિક વી ને ભારત સહિત 60 દેશોએ મંજુરી આપી છે.

બે ડોઝ વચ્ચે નુ અંતર કેટલું રાખવું? 
ત્રણેય વેક્સિન બે ડોઝ વાળી છે. રોગપ્રતિકાર શકિત વધારવા અને કોરોના સામે લડવા બે ડોઝ જરૂરી છે. ત્રણેય વેક્સિન હાથ પર (ખંભા) પર આપવામાં આવે છે. કોવેક્સિનનાં બે ડોઝ 4 થી 6 અઠવાડિયાના અંતરાલમાં લેવા જોઈએ. કોવિશિલ્ડ નાં બે ડોઝ 6 થી 8 અઠવાડિયાની વચ્ચે લગાવવા જોઈએ. જ્યારે સ્પુટનિક વી નાં બે ડોઝ વચ્ચે નુ અંતર 21 દિવસ રાખવામાં આવ્યું છે.

આ ત્રણેય રસી કેટલી અસરકારક છે?
જ્યારે વાત અસરકારકતા ની આવે તો ત્રણેય રસી સારી સાબિત થઈ છે. WHO નાં ધોરણો ઉપર ખરી ઉતરી છે. કોવિશિલ્ડનાં ટ્રાયલ નવેમ્બર માં પૂરા થયા હતા. આ વેક્સિન ની અસરકારકતા 70% સુધી છે. આ રસી ફકત ગંભીર લક્ષણો થી બચાવે છે એવું નથી પણ રિકવરી માટેનો સમય પણ ઘટાડે છે જેથી તમે સમય કરતા પહેલા સ્વસ્થ થઈ શકો. કોવેક્સિન નુ ટ્રાયલ આ વર્ષમાં જ થયું છે. એપ્રિલમાં આવેલા પરિણામો માં 78 % અસરકારક સાબિત થઈ છે. આ રસી ગંભીર લક્ષણો ને રોકવા તથા મૃત્યુ ટાળવા માં 100 % અસરકારક છે. સ્પુટનિક વી રસી ભારતની સૌથી અસરકારક રસી છે. ત્યારબાદ સ્પુટનિક વી સૌથી વધુ 91.6 % અસરકારક સાબિત થઈ છે.

આ ત્રણેય વેક્સિનની આડઅસર શું છે? 
ત્રણેય રસીની આડઅસર એક સરખી જ છે. ત્રણેય વેક્સિન ઇન્ટ્રા મસ્ક્યુલર હોવાથી આ રસીનું ઇન્જેક્શન ઘણું અંદર સુધી જાય છે. જેથી ઇન્જેક્શન વાળી જગ્યા પર સોજો આવવો, હાથ કળવો એ સામાન્ય બાબત છે. રસી મુકાવવા થી થોડો તાવ આવવો, શરદી ઉધરસ, માથું દુખવું, હાથ પગ કળવા આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ લક્ષણોથી ગભરાવાની જરૂર નથી, રસીના આ લક્ષણો મુજબ ડૉ. પાસેથી દવા લઈ લેવી.

ક્યાં લોકોએ રસી ન મુકાવવી જોઈએ? 
જે લોકોને ખાદ્ય પદાર્થ અથવા દવા થી એલર્જી છે તેને હાલ આ વેક્સિન ન મુકાવવી જોઈએ, તેને ડોક્ટર ની સલાહ મુજબ વેક્સિન લેવી જોઈએ. 18 વર્ષથી નીચેના બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને હાલ પૂરતી ડોઝ લેવાની નાં પાડવામાં આવી છે. સાથે જ જે લોકોમાં કોરોના વાયરસ નાં લક્ષણો છે તેમજ પૂરી રીતે રીકવર નથી થયા તેને થોડા સમય બાદ રસીના ડોઝ લેવાનું કહેવાયું છે.

સારી વાત એ છે કે ત્રણેય રસી કોરોનાનાં ગંભીર લક્ષણો રોકવામાં તથા મૃત્યુ ને રોકવા સક્ષમ છે. બે ડોઝ લીધા બાદ તમારા શરીરમાં એટલી બધી એન્ટીબોડી બની ગઇ હશે કે કોરોના ઇન્ફેક્શન થતાં તેની સામે લડી શકે. જો બે ડોઝ લીધા બાદ કોરોના ઇન્ફેક્શન થાય તો સામાન્ય શરદી ઉધરસ અથવા તાવ આવશે, તે થોડા દિવસોમાં ઠીક પણ થઈ જશે.