ગેસ સિલિન્ડર પછી સિંગતેલમાં તોતિંગ વધારો, એક એક ટીપાંની બચત કરવી પડશે

ગેસ સિલિન્ડર પછી સિંગતેલમાં તોતિંગ વધારો, એક એક ટીપાંની બચત કરવી પડશે

રાજ્યમાં જેવીરીતે પેટ્રોલના ભાવમાં દિવસે ને દિવસે વધારો જોવા મળે છે તેવી જ રીતે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં દિવસે ને દિવસે મોટો વધારો જોવા મળ્યો છે. સામાન્ય માણસ ગમે તેમ કરીને બિનજરૂરી વસ્તુઓ તો ટાળી શકે છે પણ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેને કેવી રીતે ટાળી શકે. એક સામાન્ય વર્ગના માણસ પર તેના પરિવારને સાચવવાની જવાબદારી હોય છે એવામાં જીવનજરૂરિયાતની જ વસ્તુઓ આટલી મોંઘી થતી જાય ત્યારે કોઈપણ વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય છે.

તમે પણ સીંગતેલ કે કપાસિયા તેલ ખરીદતા પહેલા ૩ વાર વિચાર તો કરતા જ હશો હે ને ! પુરવઠા વિભાગની નિષ્ક્રિયતા અને ઓઇલ મિલરો બેફામ બનતા તેલના ભાવ ટોચ પર પહોંચ્યા છે. એક બાજુ જોઈએ તો મગફળીના ભાવ તો ખેડૂતોને સરખા મળતા નથી તો સિંગતેલના ભાવ આટલા ઊંચા કેમ ?

હાલ સામાન્ય જનતાને પેટ્રોલ ડીઝલના ભાવ દઝાડી રહ્યા છે. હાલ પેટ્રોલના ભાવો ૧૦૦ રૂપિયાને પાર પહોંચ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે તો ટેક્સ ઘટાડવાનો ઇન્કાર કરી દીધો છે તેથી પેટ્રોલના ભાવ ત્યારે જ ઘટી શકે જ્યારે ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલનો ભાવ ઘટે.

પેટ્રોલ-ડિઝલ બાદ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ તોતિંગ વધારો થયો છે. ડિસેમ્બર મહિનામાં તેના ભાવ વધારવામાં આવ્યા અને ૫૯૪ થી ૬૪૪ રૂપિયા કરી દેવામા આવ્યા. ત્યારબાદ ૧૫ ડિસેમ્બરના રોજ એકવાર ફરી તેની કિંમતમાં ૫૦ રૂપિયા વધારીને ૬૯૪ રૂપિયા કરાઈ. ત્યારબાદ ૪ ફેબ્રુઆરીના રોજ ૨૫ રૂપિયાનો વધારો કરી ૭૧૯ રૂપિયા કરાઈ, ૧૪ ફેબ્રુઆરીએ ૫૦ રૂપિયા વધારીને ૭૬૯ કરાઈ અને હવે ફરીથી ૨૫ રૂપિયાનો વધારો કરી ૭૯૪ રૂપિયા ભાવ થયો. આમ જો માત્ર ફેબ્રુઆરી મહિનાની જ વાત કરીએ તો આ મહિનામાં જ ત્રણ વાર વધારો થયો છે.

આમ હવે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં પણ વધારો કરાયો છે. સિંગતેલના ભાવમાં ૭૫ રૂપિયાનો વધારો થતાં ૨૫૫૦ રૂપિયા પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો છે. જેથી કપાસિયા તેલ ૧૯૦૦ થી વધીને ૨૦૦૦ રૂપિયાએ પહોંચ્યું છે અને પામ તેલમાં પણ ૧૦૦ રૂપિયાનો વધારો થઈ ૧૮૦૦ રૂપિયાએ પહોંચી ગયો.