ગુજરાતમાં હાલ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઇ ચૂકી છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન ભેંસ છે. 13 તારીખથી 26 તારીખ સુધી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચાલુ રહેશે. ગુજરાતમાં 13 તારીખે 03:08 વાગે આ નક્ષત્રની શરૂઆત થઈ છે.
ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે હજુ પણ રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે.
૧) અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી તારીખ 15,17 અને 22ના રોજ ભારે વરસાદ પડવાની આગાહી છે.
૨) તારીખ 15,17 અને 22ના રોજ ઉત્તર-મધ્ય ગુજરાત સાથે કચ્છ અને સુરેન્દ્રનગરમાં સારો વરસાદ થશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
૩) અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે.
૪) અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મધ્ય ગુજરાત, મહેસાણા, સમી, હારીજ, કડી, બેચરાજી, સિદ્વપુર, પાલનપુરનાં વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે.
૫) ભાદરવી પુનમમાં થતા અંબાજીના મેળામાં ડુંગરાળ વિસ્તાર દાંતા અને અન્ય ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
૬) દક્ષિણ ગુજરાતના ભાગો આહવા, ડાંગ, વલસાડ વગેરે જેવા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.
બીજી તરફ હવામાન ખાતાના જણાવ્યા મુજબ લો-પ્રેશર, મોન્સૂન ટ્રફ અને ડિપ્રેશનને કારણે સોમવારના આખા દિવસ દરમિયાન વરસાદ રહ્યો હતો, ત્યારે સૌરાષ્ટ્રમાં હજી પણ શુક્રવાર સુધી મધ્યમથી ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. જેમાં અગામી બે દિવસમા અલગ-અલગ જામનગર, વલસાડ, જુનાગઢ અને પોરબંદર રેડ ઝોન જાહેર કર્યા છે.
NDRFની કુલ 15 ટીમમાંથી 13 ટીમો ડીપ્લોય કરવામાં આવી.
ભારે વરસાદના કારણે NDRFની કુલ 15 ટીમમાંથી 13 ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. NDRFની કુલ 15 ટીમમાંથી 13 ટીમો પૈકી 1-અમરેલી, 1-ભાવનગર, 1-જુનાગઢ, 2-જામનગર, 1-બોટાદ, 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીર સોમનાથ, 1-મોરબી ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. બાકીની બે ટીમને વડોદરા અને ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે. બીજા રાજયમાંથી ભટીંડા પંજાબથી આવેલ 05 ટીમ અત્યારે જામનગરમાં- 2, રાજકોટમાં- 1, પોરબંદરમાં- 1 અને દેવભુમી દ્વારકામાં-1 ડીપ્લોય કરવામાં આવેલ છે.