Gujarat News: હાલમાં ગુજરાત બેવડી ઋતુઓનો સામનો કરી રહ્યું છે. ઠંડી અને ગરમી બન્ને લોકોના સ્વાસ્થ્યને પણ અસર કરી રહ્યું છે. ત્યારે હવે ફરીથી ગુજરાત પર માવઠાનું સંકટ ઘેરાયું છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યના કેટલાક ભાગોમાં હળવા માવઠું થવાની અને તાપમાન વધવાની વકી બતાવી છે.
અંબાલાલની આગાહી પ્રમાણે 27 ફેબ્રુઆરીએ કમોસમી વરસાદની આગાહી છે એટલે કે કાલે જ માવઠું પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડવાની પુરી સંભાવના બતાવવામાં આવી છે. કચ્છમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે આગાહી કરી કે 26મી ફેબ્રુઆરીથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે. આ સાથે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું પણ અનુભવાશે. રાજ્યમાં વાદળો આવવાથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ પણ સેવવામાં આવી રહી છે.
અંબાલાલના કહેવા પ્રમાણે 28મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે, જોકે અનેક જગ્યાએ માવઠું પણ પડી શકે છે. 1થી 5 માર્ચ દરમિયાન પણ કમોસમી વરસાદની શક્યતા છે. ત્યારે હવે આગામી દિવસોમાં જોઈએ કે વાતાવરણ પોતાનો મિજાજ કઈ રીતે બદલે છે.