અગાઉ કપાસની ઉપર 11 ટકાની ડ્યૂટી લાદવામાં આવી હતી, જેને 19 ઑગસ્ટથી 30 સપ્ટેમ્બરના ગાળા માટે હઠાવી દેવામાં આવી હતી. હવે આ છૂટને વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે.
અમેરિકાના કૃષિ વિભાગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.
અમેરિકાના કૃષિવિભાગને આશા છે કે આને કારણે અમેરિકામાં કપાસનું બુકિંગ વધશે, જેના કારણે અમેરિકામાં ઊંચા ટેરિફ દરોથી પરેશાન ભારતીય નિકાસકારોને હંગામી રાહત મળશે.
જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી કપાસના ભાવો ગગડી જશે અને ખેડૂતોને ફટકો પડશે.
ભારતમાં કપાસના ભાવ ઘટશે
કેન્દ્ર સરકારનું કહેવું છે કે ઘરઆંગણે કપાસના ભાવોમાં સ્થિરતા લાવવા તથા ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ટેકો આપવાના હેતુસર હંગામી ધોરણે આયાતજકાત હઠાવવાનો નિર્ણય લીધો છે.
આના કારણે વિદેશનો કપાસ સસ્તાદરે ભારતીય બજારોમાં ઠલવાશે અને ભારતની બજારોમાં કપાસના ભાવોમાં વધુ ઘટાડો થશે.
થોડા દિવસો પહેલાં સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ, નહીં તો તેઓ વિરોધપ્રદર્શન કરશે.
ભારતમાં લગભગ 60 લાખ ખેડૂતો કપાસના વાવેતર સાથે સંકળાયેલા છે, જેમાંથી અડધોઅડધ મહારાષ્ટ્રના છે અને ગુજરાતમાં પણ તેમની નોંધપાત્ર સંખ્યા છે
ભારતના ખેડૂતો સપ્ટેમ્બર મહિનાના અંત ભાગમાં તથા ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં કપાસનો પાક ઉતારતા હોય છે અને તેને બજારમાં વેચે છે.
ખેડૂતો પર શું અસર થશે
ખેડૂતોનું કહેવું છે કે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો મળતા નથી અથવા તો ઉત્પાદનખર્ચને જોતાં એ ભાવે વેચવું પરવડે તેમ નથી.
ગત વર્ષે કેન્દ્ર સરકારે ક્વિન્ટલદીઠ રૂ. સાત હજાર 521નો ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. જોકે, ખેડૂતોએ ટેકાના ભાવોથી પણ ઓછી કિંમતે કપાસ વેચવો પડ્યો હતો.
ગત વર્ષે રૂ. છથી સાત હજારના ભાવે (ક્વિન્ટલદીઠ) કપાસ વેચાયો હતો.
કેન્દ્ર સરકારે વર્ષ 2025- '26 માટે કપાસનો ટેકાનો ભાવ ક્વિન્ટલદીઠ રૂ. આઠ હજાર 110 નક્કી કર્યો છે.
નિષ્ણાતોના કહેવા પ્રમાણે, સરકાર 'ભાવફેર' યોજના દ્વારા પણ ખેડૂતોને લાભ આપી શકે છે.
જે મુજબ, જો ખેડૂતોએ ટેકાના ભાવોથી ઓછી કિંમતે કપાસ વેચવો પડે, તો સરકાર એ તફાવતની રકમ ખેડૂતોને ચૂકવે.
મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર સત્તા ઉપર આવી, એ પહેલાં તેણે પોતાનાં ચૂંટણીઢંઢેરામાં ખેડૂતોને ભાવફેર આપવાની વાત કરી હતી.