સાવધાન! તમારા આધારકાર્ડ વડે સિમ લઇને કોઇ પણ કરી શકે છે છેતરપિંડી, જાણો તમારા આધાર પર કેટલા સિમ છે એક્ટિવ

સાવધાન! તમારા આધારકાર્ડ વડે સિમ લઇને કોઇ પણ કરી શકે છે છેતરપિંડી, જાણો તમારા આધાર પર કેટલા સિમ છે એક્ટિવ

આધાર કાર્ડ હવે દરેક ભારતીય માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક બની ગયું છે. તેનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ જ કારણ છે કે આધાર કાર્ડને લઈને છેતરપિંડીની ઘટનાઓ પણ સતત વધી રહી છે. ખાસ કરીને બીજાના આધાર કાર્ડ પર સિમ કાર્ડ આપવાના કિસ્સામાં. આવી સ્થિતિમાં, એ મહત્વનું છે કે તમે તમારી આધાર સંબંધિત માહિતી કોઈની સાથે શેર ન કરો.

મોબાઇલ સિમ કાર્ડ ખરીદવા માટે, તમારે તમારું માન્ય આધાર કાર્ડ બતાવવું પડશે અને તે પછી જ તમારા નામ પર સિમ જારી કરવામાં આવશે. જોકે, આ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિના આધાર કાર્ડ પર મોબાઈલ સિમ કઢાવી છેતરપિંડી કરવાના બનાવો પણ વધી રહ્યા છે.

ગુનેગારો નાણાકીય અને અન્ય ગુના કરવા માટે અન્યના આધારે જારી કરાયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરે છે. એટલા માટે તમારા આધાર કાર્ડ નંબરનો કોઈ દુરુપયોગ કરી રહ્યું છે કે કેમ તેની તપાસ કરતા રહેવું જરૂરી છે. હવે તમારા આધાર સાથે કેટલા મોબાઈલ સિમ લિંક છે તે શોધવું એકદમ સરળ છે.

તમે મિનિટોમાં તમારા ફોન પર તેને ચકાસી શકો છો. તમારા આધાર નંબર પર કેટલા સિમ એક્ટિવ છે તે જાણવા માટે સરકારે એક વેબસાઈટ બનાવી છે. તેને ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP) નામ આપવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા, વપરાશકર્તાઓ તેમના આધાર નંબર સાથે જોડાયેલા તમામ ફોન નંબરને ચકાસી શકે છે.

આ વેબસાઈટ પર, તમને ફક્ત તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર વિશે જ માહિતી મળશે નહીં, પરંતુ જો તમારી જાણ વગર તમારા આધાર પર કોઈ મોબાઈલ નંબર જારી કરવામાં આવે છે, તો તમે ત્યાં ફરિયાદ પણ કરી શકો છો. એટલું જ નહીં, તમે તમારા જૂના નંબરને પણ આધારથી અનલિંક કરી શકો છો, જેનો તમે હવે ઉપયોગ નથી કરતા.

તમે તમારા આધાર પર જારી કરાયેલા મોબાઈલ નંબર વિશે નીચેની રીતે જાણી શકો છો-
1. સૌથી પહેલા તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં 'https://tafcop.dgtelecom.gov.in/' વેબસાઈટ ખોલો.
2. વેબસાઈટ ખોલ્યા પછી, આપેલ બોક્સમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
3. પછી Request OTP'  બટન પર ક્લિક કરો.
4. તમારા મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો અને પછી 'Validate' પર ક્લિક કરો
5. આ પછી તમારા આધાર નંબર સાથે જોડાયેલા તમામ મોબાઈલ નંબર વેબસાઈટ પર દેખાશે.
6. અહીં તમે એવા નંબરોની જાણ કરી શકો છો અને બ્લોક કરી શકો છો જે ઉપયોગમાં નથી અથવા હવે જરૂર નથી.