Top Stories
બેન્ક ઓફ બરોડાએ આપી ગુડ ન્યૂઝ! આ લોકો માટે સસ્તી થઈ લોન, અહીં ચેક કરો લેટેસ્ટ વ્યાજ દર

બેન્ક ઓફ બરોડાએ આપી ગુડ ન્યૂઝ! આ લોકો માટે સસ્તી થઈ લોન, અહીં ચેક કરો લેટેસ્ટ વ્યાજ દર

સરકારી ક્ષેત્રની બેન્ક ઓફ બરોડાએ ગુરુવારે રિટેલ અને સૂક્ષ્‍મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. બેન્ક ઓફ બરોડા દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે બુધવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6 ટકા કરી દીધો છે.

સરકારી બેન્કે કહ્યું કે, તે RBI દ્વારા નાણાકીય નીતિમાં આપવામાં આવેલ રાહતને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે રિટેલ અને MSME સેગમેન્ટના વ્યાજ દરોમાં ઘટાડો કરી રહી છે.

બેન્ક ઓફ બરોડાએ વ્યાજદરમાં ઘટાડો
બેન્ક ઓફ બરોડાએ વધુમાં જણાવ્યું કે, ઘટાડા બાદ બેન્કનો ઓવરનાઈટ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ-આધારિત ધિરાણ દર (MCLR) 8.15 ટકા થઈ ગયો છે. જ્યારે એક વર્ષનો MCLR ઘટીને 9 ટકા થઈ ગયો છે.

આ પગલાનો ઉદ્દેશ્ય વ્યક્તિઓ અને વ્યવસાયોને સસ્તા દરે લોન ઉપલબ્ધ કરાવવાનો છે, જેનાથી વ્યાપક આર્થિક વિકાસ અને નાણાકીય સમાવેશને સમર્થન મળે શકે.

RBIએ ઘટાડ્યો રેપો રેટ
RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે રેપો રેટ 6.25 ટકાથી ઘટાડીને 6 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ નાણાકીય નીતિનું વલણ 'ન્યૂટ્રલ'માંથી શિફ્ટ કરી 'અકોમોડેટિવ' કરી દીધો હતો. રેપો રેટમાં ઘટાડા અંગે વૈશ્વિક નાણાકીય કંપની મૂડીઝે કહ્યું કે, કેન્દ્રીય બેન્ક દ્વારા રેપો રેટમાં ઘટાડો અને નાણાકીય નીતિના વલણમાં ફેરફાર યોગ્ય સમય પર લેવામાં આવેલા પગલા છે.

રેપો રેટમાં થઈ શકે છે ઘટાડો
મૂડીઝનું માનવું છે કે, ચાલુ કેલેન્ડર વર્ષમાં આરબીઆઈ રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટ્સ સુધીનો ઘટાડો કરી શકે છે. મૂડીઝ એનાલિટિક્સનાં ઇકોનોમિક રિસર્ચ ડાયરેક્ટર કેટરીના એલ્લે કહ્યું કે, આરબીઆઇએ મુશ્કેલ સમયમાં બજારની અપેક્ષાઓ અનુસાર પગલાં ભરીને યોગ્ય કામ કર્યું છે.

એલ્લે કહ્યું કે, "અનિશ્ચિતતાની અર્થવ્યવસ્થાઓ પર ઊંડી નકારાત્મક અસર પડે છે અને તેની અસરો વ્યાપક હોય છે. છેલ્લા અઠવાડિયામાં અમેરિકાની સરકારની ટેરિફ ધમકીઓને કારણે બોન્ડ, મુદ્રા અને ઇક્વિટી બજારોમાં આશ્ચર્યજનર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે."

તેમણે કહ્યું કે, "આ ઉતાર-ચઢાવના સમયગાળામાં આરબીઆઈનો અનુમાનિત પ્રતિસાદ બજારને વધુ અસ્થિરતાને ટાળવામાં મદદ કરશે."