Top Stories
khissu

ખુશખબર! હવે બેંક ઓફ બરોડાએ ઘટાડ્યા કાર લોન પર વ્યાજદર, જાણી લો ક્યાં સુધી મળશે આ ઓફરનો લાભ?

જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ કાર લોન પરના વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી બેંક વાર્ષિક 7.25 ટકા જેટલા વ્યાજ દરે કાર લોન આપતી હતી પરંતુ, હવે બેંકે કાર લોન પર આ વ્યાજ દર 0.25 ટકા ઘટાડ્યો છે. જેથી આ વ્યાજદર હાલ 7 ટકા છે.

આ ઓફર મર્યાદિત સમય માટે છે
વાસ્તવમાં, આ ઓફર ફક્ત મર્યાદિત સમયગાળા માટે કાર ખરીદનારા નવા ગ્રાહકોને આપવામાં આવી રહી છે. જો તમે પણ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે બેંકની આ ઓફરનો લાભ લઈ શકો છો. કાર લોનનો આ વિશેષ દર 30 જૂન, 2022 સુધી જ છે. જોકે, જૂની એટલે કે સેકન્ડ હેન્ડ કાર અને ટુ-વ્હીલર લોન પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

પ્રોસેસિંગ ચાર્જમાં પણ ઘટાડો
સોમવારે એક નિવેદનમાં, બેંકે કહ્યું કે વ્યાજ દરમાં ઘટાડા ઉપરાંત, તેણે 30 જૂન સુધીમાં લોન પ્રોસેસિંગ ચાર્જને ઘટાડીને 1,500 રૂપિયા (જીએસટી સહિત) કર્યો છે. ખાસ વાત એ છે કે વ્યાજ દર ગ્રાહકની 'ક્રેડિટ પ્રોફાઇલ' સાથે લિંક કરવામાં આવશે.

પીટીઆઈ સાથે વાત કરતા, બેંકના જનરલ મેનેજર (મોર્ટગેજ અને અન્ય છૂટક સંપત્તિ) એચટી સોલંકીએ જણાવ્યું હતું કે, "કાર લોન પરના વ્યાજ દર અને પ્રોસેસિંગ ચાર્જમાં ઘટાડા સાથે, ગ્રાહકો માટે હવે તેમની પસંદગીનું વાહન ખરીદવું વધુ સસ્તું બનશે. "

હોમ લોનના વ્યાજદરમાં કર્યો હતો ઘટાડો 
ગયા મહિને બેંક ઓફ બરોડાએ હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. બેંક હવે 6.75 ટકાના બદલે 6.5 ટકા વાર્ષિક વ્યાજે હોમ લોન ઓફર કરી રહી છે. નવો દર 22 એપ્રિલથી અમલમાં આવ્યો છે. હોમ લોનનો આ વિશેષ દર 30 જૂન 2022 સુધી જ છે.