ગુજરાતમાં ફરીથી ઠંડીનું જોર ઓછું થયું છે. ત્યારે હવામાન નિષ્ણાતોએ ગુજરાતના હવામાનમાં પલટો આવે અને અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે.
ગુજરાતમાં હાલ શિયાળો ચાલી રહ્યો છે અને વરસાદની શક્યતા જોતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તો બીજી બાજુ હવામાન વિભાગે હાલ સાત દિવસ ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહે તેવી આગાહી કરી છે. એટલે કે ગુજરાતમાં માવઠાની હાલ કોઈ આગાહી કરવામાં નથી આવી.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આવનાર દિવસો માટે આગાહી આવી ગઈ છે. તેમણે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.
સાથે જ કહ્યું કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે, એ અસ્થિરના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું થાય તેવી શક્યતાઓ છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે હવામાનના લેટેસ્ટ અપડેટ આપતા કહ્યું કે, અમદાવાદમાં પાછલા 24 કલાકમાં તાપમાન ગગડ્યું છે. અમદાવાદમાં પાછલા 24 કલાકમાં 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહ્યું. તો ગાંધીનગરમાં 14.1 ડિગ્રી તાપમાન રહ્યું. નલિયાના તાપમાનમાં વધારો થઈ 9.8 ડિગ્રી તાપમાન રહ્યું. આગામી પાંચ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના નહિવત છે. હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવનની દિશા
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 28 જાન્યુઆરીથી રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો આવશે. 30-31 જાન્યુઆરીથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે.
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા સ્પષ્ટ દેખાઈ રહી છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવશે. ખાસ કરીને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.