હાલ દેશમાં કોરોના મહામારીનું મોટું સંકટ આવ્યું હતું જે ધીમે ધીમે ખતમ થઈ રહ્યું હતું, જોકે દેશમાં કોરોના વેકસીન પણ આવી ગઈ જેથી હવે કોરોના સંપૂર્ણ ખતમ થવાની આશા હતી. પરંતુ કોરોના ફરીથી ઊંઘમાંથી ઉઠી ગયો છે અને ફરી પાછી પહેલા જેવી જ પરિસ્થિતિ સર્જાઈ તેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં ફરી કોરોના કેસની મોટી સંખ્યા : હાલ જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ યોજાઈ હતી જેમાં કોરોના મામલે બેદરકારી જોવા મળી હતી જેના પરિણામે આજે કોરોના કેસનો આંકડો ફરી વધી રહ્યો છે. જોકે રાજ્યની હાઇકોર્ટે પણ હાલ કોરોનાની બગડી રહેલી સ્થિતિ પાછળ સ્થાનિક ચૂંટણીઓમાં થયેલી બેદરકારીને ગણાવે છે.
રાજ્યમાં કાલે જાન્યુઆરી બાદ ફરીથી કોરોના કેસની સંખ્યા વધુ જોવા મળી. કાલે રાજ્યમાં કુલ ૬૭૫ નવાં કેસો સામે આવ્યા અને ૪૮૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા જોકે પહેલાં કરતા ડિસ્ચાર્જનું પ્રમાણ ઘટી ગયું છે. હાલની સ્થિતિએ રાજ્યમાં કુલ ૩૫૨૯ કેસ એક્ટિવ છે. જે પૈકી ૪૭ દર્દીઓ ગંભીર સ્થિતિએ છે.
મહારાષ્ટ્રમાં લોકડાઉન થવાનું એંધાણ : મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. કાલે મહારાષ્ટ્રમાં ૧૩,૬૫૯ કેસ નોંધાયા હતા અને ૫૪ દર્દીઓના મોત થયાં. જોકે મહારાષ્ટ્રમાં હાલની પરિસ્થિતિએ કુલ ૯૯,૦૦૮ કેસ એક્ટિવ છે.
મહારાષ્ટ્રમાં ૧ કરોડ ૭૧ લાખ ૧૫ હજાર ૫૩૪ લોકોના ટેસ્ટ કરાયા હતાં જેમાંથી ૨૨,૫૨,૦૫૭ કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા હતાં. જોકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, જો કોરોના નિયંત્રણમાં નહિં આવે તો આકરા પગલાં લેવામાં આવશે જેથી લોકોએ કોરોના નિયમનું પાલન કરે તેવી વિનંતી છે.
ગુજરાત હાઈકોર્ટે જાહેર કર્યા નિર્દેશ : ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા. જે ચૂંટણીઓમાં થયેલી બેદરકારીને લઈને રાજ્ય સરકાર પર આક્ષેપો કર્યા. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તેથી સરકાર અગાઉથી તૈયારીમાં રહે અને હોસ્પિટલ તથા બેડ તૈયાર રાખવાના આદેશો કર્યા.
જોકે સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટ અને ગાયનેકોલોજિસ્ટની તીવ્ર અછત છે અને આ ઘણા સમયથી ખાલી પડેલી જગ્યાઓ પર હજી સુધી ભરતી કરાઈ નથી. આ ઉપરાંત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓના વલણોથી કંટાળીને સરકારી હોસ્પિટલોના નિષ્ણાંત તબીબો વી.આર.એસ. લઈ જલ્દી નિવૃત્ત થવાની તૈયારી કરી રહ્યાં છે તેવા આક્ષેપો નાખ્યા છે.