નિવૃત્તિનું નહીં રહે ટેન્શન, આ બે યોજનામાં કરો રોકાણ

નિવૃત્તિનું નહીં રહે ટેન્શન, આ બે યોજનામાં કરો રોકાણ

મોંઘવારી દિવસેને દિવસે માજા મૂકી રહી છે એવામાં દરેક લોકો પોતાની નિવૃત્તિના સમયને લઈને ટેન્શનમાં રહે છે. લોકો એવી વ્યવસ્થા કરવા માગે છે જેથી નિવૃત્તિ બાદ તેમને આર્થિક કટોકટીનો સામનો ન કરો પડે. જ્યારે નિવૃત્તિની વાત આવે છે, ત્યારે પોસ્ટ ઓફિસની બે યોજનાઓ સૌથી વધુ ચર્ચામાં જોવા મળે છે. આ યોજનાઓના નામ છે- પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના અથવા POMIS અને સિનિયર સિટિજન સેવિંગ્સ સ્કીમ અથવા SCSS.

આ બંને સ્કીમમાં સારા વળતરની સાથે ટેક્સમાં છૂટનો લાભ પણ મળે છે. જેઓ તેમની નોકરી દરમિયાન આ યોજનાઓમાં નાણાં રોકે છે તેઓએ નિવૃત્તિ પછીના ખર્ચ વિશે વિચારવું પડતું નથી. કારણ કે તે કર બચાવવામાં મદદ કરે છે, તેથી બાકી રહેલા પૈસા ફક્ત તમારા માટે જ ઉપયોગી બને છે.

વૃદ્ધાવસ્થામાં વરિષ્ઠ નાગરિકોની સૌથી મોટી ચિંતા રોજિંદા ખર્ચની હોય છે. આ ચિંતામાંથી મુક્તિ મેળવવા માટે નોકરી દરમિયાન જ રોકાણ કરવું પડશે. નોકરી દરમિયાનના ખર્ચને વૃદ્ધાવસ્થાના ખર્ચ સાથે સરખાવતી વખતે રોકાણ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ.

આ જ કારણ છે કે કોઈ પણ વ્યક્તિ નિવૃત્તિ માટે એવા રોકાણોમાં રોકાણ કરવા માંગે છે જે હાઈ રિટર્ન આપે અને પૈસા ગુમાવવાનું જોખમ ન હોય. વરિષ્ઠ નાગરિકોનું ધ્યાન હંમેશા એ હકીકત પર હોય છે કે માસિક આવક ચાલુ રહે અને ખર્ચ સરળતાથી ચાલતો રહે. તેને જોતા પોસ્ટ ઓફિસ સ્કીમ અજમાવી શકાય છે. ચાલો આજે બન્ને સ્કીમો વિશે વિગતવાર સમજીએ.

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના
જેમ કે નામમાં જ સ્પષ્ટ છે કે તેમાં માસિક આવક માટે રોકાણ કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસના માધ્યમથી તે ભારત સરકાર સંચાલિત કરવામાં આવે છે, જે એક બચત યોજના છે. આમાં રોકાણ કરવાથી દર મહિને નિશ્ચિત આવક મળે છે અને 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ પણ મળે છે. જો કોઈ વ્યક્તિ ખાતું ખોલે છે, તો મહત્તમ રકમ વાર્ષિક 4.5 લાખ રૂપિયા જમા કરાવી શકે છે.

જો તમે સંયુક્તમાં ખાતું ખોલો છો, તો જમા રકમ 9 લાખ સુધી હોઈ શકે છે. આ એક એવી સ્કીમ છે જેના પર વધુ વ્યાજ આપવામાં આવે છે. અત્યારે 6.6 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે થાપણો પર કર લાગતો નથી પરંતુ 5 વર્ષની પાકતી મુદત દરમિયાન મળતું વ્યાજ કરપાત્ર છે. તમે બચત ખાતામાં રિટર્ન ટ્રાન્સફર કરી શકો છો. તેનો સૌથી મોટો ફાયદો નિશ્ચિત વળતર છે જે બજાર દરથી પ્રભાવિત થતુ નથી.

સિનિયર સિટિજન સેવિંગ્સ સ્કીમ અથવા SCSS
આ એક લાંબા ગાળાની રોકાણ યોજના છે જે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે બનાવાવમાં આવી છે. આ યોજનાનો લાભ ભારતની તમામ બેંકો અને પોસ્ટ ઓફિસોમાં મેળવી શકાય છે. આ સ્કીમમાં ઓફર કરવામાં આવતા વ્યાજ દર રેગ્યુલર ડિપોઝીટ એકાઉન્ટ્સની સરખામણીમાં વધારે છે. હાલમાં, તેમા 7.4 ટકાના દરે વળતર મળી રહ્યું છે, જ્યારે સામાન્ય બચત ખાતા પર વ્યાજ દર લગભગ 2.5 ટકા છે.

1.5 લાખ સુધીની થાપણો પર કોઈ ટેક્સ નથી. આ બચત યોજનામાં 500 થી 1.5 લાખ સુધીની કોઈપણ રકમનું રોકાણ કરી શકાય છે. રોકાણ માટેની લઘુત્તમ વય 58 વર્ષ છે. આ યોજનાની પાકતી મુદત પાંચ વર્ષની છે અને તેને માત્ર એક જ વાર બીજા ત્રણ વર્ષ માટે વધારી શકાય છે.