આજથી એક જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીઓ

આજથી એક જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીઓ

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસની આગાહી કહે છે કે, ગુજરાતમાં આજથી 1 જુલાઈ સુધી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તો અન્ય જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો દાહોદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે

અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 26 જુનથી 1 જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદ પડશે. રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂર આવશે. નર્મદા સહિત ઘણી નદીઓ બેકાંઠે વહેતી થશે. 9થી 15 જુલાઈ વચ્ચે પણ ભારે વરસાદ આવશે.  

અંબાલાલ પટેલ કહે છે કે, 25 જૂનથી વરસાદ મધ્ય પ્રદેશના ભાગો સુધી આવરી લેવાની શક્યતા રહેશે. 26 જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાંથી ભારેખમ વરસાદનું વહન આવતા રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાતની અન્ય નદીઓમાં પૂરની સ્થિતિ થઈ શકે છે કેટલાક ભાગો જળબંબાકાર બની શકે છે. નર્મદા બે કાંઠે થવાની શક્યતા સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે. આ ઉપરાંત કાવેરી નદીમાં તાપી નદીમાં જળતર વધવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે કહ્યું કે, હમણાં ઉતર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની ઘાત છે. મહેસાણા, પાલનપુર બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તો પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. મહીસાગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે