Top Stories
SBI એ તેના 44 કરોડ ગ્રાહકોને આપી ચેતવણી! જો ફ્રોડથી બચવુ હોય તો...

SBI એ તેના 44 કરોડ ગ્રાહકોને આપી ચેતવણી! જો ફ્રોડથી બચવુ હોય તો...

જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો રહે છે તેમ તેમ તેને લગતા ફ્રોડ પણ વધી રહ્યા છે. આજ કાલ બેકિંગને લગતા મોટા ભાગના કામ આંગળીને ટેરવે થઈ રહ્યા છે, જેટલો તેનો ફાયદો છે તેટલું જ તેમા જોખમ પણ રહેલુ છે. કારણ કે ઘણા ઠગબાજો એનકેન પ્રકારે લોકોને ચૂનો લગાવી દેશે.  હવે આ કડીમાં દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના 44 કરોડથી વધુ ગ્રાહકોને એલર્ટ કર્યા છે.

તમને જણાવી દઈએ કે, SBI એ તેના ગ્રાહકોને ATM ફ્રોડને લઈને એલર્ટ જારી કર્યું છે. આ અંગે SBIએ કહ્યું છે કે ATM ફ્રોડથી પોતાને બચાવવા માટે OTP ઉત્તમ ટ્રાન્ઝેક્શન વિકલ્પ છે. SBIએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે ટ્વિટ પણ કર્યું છે. દેશની સૌથી મોટી સરકારી બેંકે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, SBI ATM પરના વ્યવહારો માટે અમારી OTP આધારિત રોકડ ઉપાડની સિસ્ટમ છેતરપિંડી કરનારાઓ સામે રસીકરણ છે. છેતરપિંડીથી ગ્રાહકોનું રક્ષણ કરવું એ અમારી પહેલી પ્રાથમિકતા છે.

દેશની ટોચની સરકારી બેંક SBI એ ગયા વર્ષે જાન્યુઆરીમાં OTP આધારિત રોકડ ઉપાડની સુવિધા શરૂ કરી હતી. જો તમે SBI ATMમાંથી પૈસા ઉપાડવા માંગતા હો, તો તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલો OTP દાખલ કરવો પડશે. આનાથી ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવામાં મદદ મળશે.

OTP દ્વારા ATMમાંથી પૈસા ઉપાડવાની પ્રોસેસ
હવે જ્યારે તમે પૈસા ઉપાડવા માટે SBI ATM ની મુલાકાત લો છો, ત્યારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. ત્યાર બાદ ગ્રાહકો આ OTP દાખલ કરીને ATMમાંથી પૈસા ઉપાડી શકે છે. OTP એ ચાર અંકનો નંબર હશે જેમાંથી એકવાર ટ્રાન્ઝેક્શન કરી શકાશે. આ સુવિધા SBI કાર્ડધારકોને છેતરપીંડીથી બચાવશે.

10 હજાર રૂપિયાથી વધુ ઉપાડ પર લાગુ થશે નિયમ
નોંધનિય છે કે, આ સુવિધા SBI એટીએમમાંથી રૂ. 10,000 થી વધુ ઉપાડવા માટે છે. આનાથી ATMમાંથી અનધિકૃત રોકડ વ્યવહારો સામે રક્ષણ મળવાની આશા છે. SBIએ પોતાના ગ્રાહકોને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચાવવા માટે આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત SBIએ તેના ગ્રાહકોને નકલી SMS વિશે પણ ચેતવણી આપી છે. SBIએ કહ્યું કે, બેંક દ્વારા મોકલવામાં આવતા મેસેજમાં હંમેશા 'SBI' નાનો કોડ હશે. જેમ કે SBIBNK, SBIINB, SBINO, ATMSBI વગેરે. SBIએ કહ્યું, બેંક ક્યારેય પણ bit.ly લિંક્સ મોકલતી નથી. તેથી અજાણ્યા સ્ત્રોતોમાંથી મોકલેલ લિંક પર ક્લિક કરવાની ભૂલ ન કરતા નહીં તો નુકશાની વેઠવી પડશે.