25 તારીખની સાંજની અપડેટ મુજબ બંગાળની ખાડીમાં ડીપ-ડિપ્રેશન બની ચૂક્યું છે. આવનાર 12 કલાકમાં cyclone strome માં પરિવર્તન થઈ જશે એટલે કે વાવાઝોડું બની જશે. વાવાઝોડું બન્યા બાદ 60-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓરિસ્સા-આંધ્રપ્રદેશ વચ્ચે લેન્ડ ફોલ કરશે. લેન્ડ ફોલ કર્યાં બાદ થોડું નબળું અને ધીમું પડી શકે છે.
ગુલાબ વાવાઝોડાને લઈને હવામાન વિભાગ એલર્ટ
હવામાન વિભાગે ભારતના 3 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. તૌકતે અને યાસ વાવાઝોડા બાદ ગુલાબ વાવાઝોડાનું સંકટ ભારત પર તોળાઈ રહ્યું છે. આવનાર 12 કલાક બાદ વાવાઝોડું ભારત સાથે ટકરાશે. જોકે ટકરાશે ત્યારે પવન અને વરસાદ બંને જોવા મળશે. ભારતનાં 3 રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને હાઈ એલર્ટ પણ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે ગુજરાતમાં હજુ વરસાદી માહોલ રહેશે તેવી ફરી એકવાર આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવશે. જો કે, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતના પણ થોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં 27 અને 28 સપ્ટેમ્બરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે.
હવામાન વિભાગના મતે આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે અને આવતી કાલે એટલે કે રવિવારે નવસારી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ સિવાય ગુજરાતના જાણીતાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ આગાહી કરતાં જણાવ્યું કે ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી વરસાદ પડે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે હાથિયા નક્ષત્રમાં સારો વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. ગુજરાતના ઉત્તર-પુર્વીય ભાગોમાં ગાજ વીજ સાથે વરસાદની શક્યાતાઓ છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની સાથોસાથ વાવાઝોડાંની પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં 2005 પછી પ્રથમ વખત બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું ત્રાટકી શકે તેવી આગાહી કરી છે, તેમના અનુમાન મુજબ આ વાવાઝોડું આંધ્ર અને ઓડિશા તટ પર ટકરાઈ શકે છે.