ડુંગળીના ભાવ ઘટીને હાલ તમામ સેન્ટરોમાં કિલોનાં રૂ. પ થી ૧૦ ની વચ્ચે પહોંચી ગયા છે, બહુ સારી ડુંગળી હોય તો જ કિલોનાં રૂ. ૧૨ જેટલા ખેડૂતોને મળી રહ્યાં છે. આવી સ્થિતિમાં નાશીકનાં ખેડૂત સંગઠન, મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંગઠને સરકાર પાસે ઊંચા ભાવની માંગણી કરી છે અને નાફેડ દ્વારા બફર સ્ટોક માટે એપ્રિલથી જ ખરીદી શરૂ કરવામાં આવે ત્યારે પ્રતિ કિલો રૂ. ૩૦ નાં ભાવથી જ ખરીદી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ખેડૂતોની ઉત્પાદન પડતર રૂ. ૧૫ થી ૧૮ જેટલી છે, જેમાં મામૂલી બીજો ખર્ચ અને નફો ઉમેરીએ તો રૂ. ૩૦ થાય છે, પરિણામે એ ભાવથી ખરીદી થાય તે જરૂરી છે.
આ વર્ષે કુલ બે લાખ ટન ડુંગળીની બફર સ્ટોક માટે ખરીદી કરવાનું આયોજન છે. ગત વર્ષે નાફેડે એક લાખ ટન ડુંગળીની ખરીદી કરી હતી. નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી કરવામાં આવશે અને એપ્રિલ મહિનાથી મોટા ભાગે ખરીદી શરૂ થઈ જાય તેવી ધારણાં છે. જોકે નાફેડ દ્વારા બજાર ભાવથી જ ખરીદી કરવામાં આવે છે, એજ રીતે આ વર્ષે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ડુંગળીના ભાવમાં તળિયું નજીક દેખાય રહ્યું છે. સફેદ ડુંગળીમાં તો નીચા ભાવથી ફેકટરીવાળાઓની માંગ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે, પંરતુ લાલ ડુંગળીના ભાવ ઘટીને રૂ. ૨૦૦ ની અંદર આવી શકે છે. હાલ સારી લાલ ડુંગળીના ભાવમાં રૂ. ૨૫૦ સુધીનાં ભાવ છે, પરંતુ તેમાં ગમે ત્યારે રૂ. પ૦ થી ૭૦ નીકળી જાય તેવી સંભાવના છે. ખેડૂતોએ લાલ ડુંગળીમાં સારા ભાવ આવતા હોય તો વેચાણ કરીને છૂટા થઈ જવું જોઈએ અથવા તો સ્ટોક કરવા જેવી હોય તો સ્ટોક કરીને બેસી રહેવુ જોઈએ.
સફેદમાં બજારો આ લેવલ આસપાસ જ અથડાયા કરશે અને તેમાં ક્રમશઃ સુધારો આવે તેવું લાગી રહ્યું છે. બજારનો માહોલ હાલ મિશ્ર દેખાય રહ્યો છે. સફેદમાં જ્યાં સુધી ડિ - હાઈડ્રેશન પ્લાન્ટોની માંગ રહેશે ત્યાં સુધી બજારો આ લેવલથી ઘટે તેવું લાગતું નથી. નાશીકમાં પણ ડુંગળીનાં ખેડૂતો દ્વારા ડુંગળીના ભાવ કિલોનાં રૂ. ૩૦ એટલે કે મણના રૂ. ૬૦૦ મળે એ માટે અભિયાન શરૂ કર્યું છે અને ખેડૂતોને ખૂબજ નીચા ભાવથી વેચાણ ન કરવાનું એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ ખેડૂત સંગઠનો આ પ્રકારનું અભિયાન ડુંગળીનાં ખેડૂતો માટે શરૂ કરે તો ભાવ સુધરી શકે તેમ છે.
ગુજરાતનાં તમામ ખેડુતમિત્રો જાણી શકે તે માટે આ માહિતિ તમારા What's app ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.