વિદ્યાર્થી હોમવર્ક કરીને ન આવ્યો તો શિક્ષકે મનફાવે એમ માર્યો, જમીન પર પછાડ્યો, આખરે કુણા માખણ જેવા બાળકું મોત

વિદ્યાર્થી હોમવર્ક કરીને ન આવ્યો તો શિક્ષકે મનફાવે એમ માર્યો, જમીન પર પછાડ્યો, આખરે કુણા માખણ જેવા બાળકું મોત

આમ તો શિક્ષકનો દરજ્જો ગુરૂ સમાન હોય છે. કહેવાય છે કે પ્રલય અને નિર્માણ બન્ને એક શિક્ષકના ખોળામાં વસતા હોય છે. ત્યારે હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે એ ખરેખર ચોંકાવનારો છે. આ વાત છે રાજસ્થાનના ચુરુ જિલ્લાના સાલાસરના કોલાસર ગામની કે જ્યાં એક ખાનગી શાળામાં આઠમા ધોરણના વિદ્યાર્થીને શિક્ષકે એટલી નિર્દયતાથી માર માર્યો કે મોત નિપજ્યું છે. 13 વર્ષના બાળકનો એકમાત્ર દોષ એ હતો કે તેણે પોતાનું હોમવર્ક કર્યું નહોતું. જેના કારણે ગુસ્સે ભરાયેલા શિક્ષકે કથિત રીતે તેનો જીવ લઈ લેવાની ઘટના હવે આખા દેશમાં ચર્ચાઈ રહી છે અને કરોડો દેશવાસીઓ ગુસ્સે છે.

સાલાસર પોલીસના એસએચઓ સંદીપ બિશ્નોઈના જણાવ્યા અનુસાર, કોલાસરના રહેવાસી ઓમપ્રકાશે ફરિયાદ નોંધાવી છે કે તેમનો પુત્ર ગણેશ કોલાસરની ખાનગી શાળા મોર્ડન પબ્લિક સ્કૂલના સાતમા ધોરણમાં ભણ છે. જે બે-ત્રણ મહિનાથી શાળાએ જતો હતો. ગણેશે છેલ્લા 15 દિવસમાં તેના પિતાને ત્રણ-ચાર વખત ફરિયાદ કરી હતી કે તેનો શિક્ષક મનોજ તેને ખરાબ રીતે માર મારે છે. બુધવારે પણ ગણેશ શાળાએ ગયો હતો. સવારે 9.15 વાગ્યે ગણેશના પિતા ઓમપ્રકાશને શાળાના આરોપી શિક્ષક મનોજનો ફોન આવ્યો કે ગણેશ હોમવર્ક કરીને નથી આવ્યો તેથી તેને માર મારવામાં આવ્યો જેના કારણે તે બેભાન થઈ ગયો છે.

ખેતરમાં કામ કરતા પિતાએ આરોપી શિક્ષકને પૂછ્યું કે તે બેભાન થઈ ગયો છે કે મરી ગયો છે? આ અંગે આરોપી શિક્ષકે કહ્યું કે તે મરી જવાનો ઢોંગ કરી રહ્યો છે. થોડા સમય પછી ઓમપ્રકાશ શાળામાં પહોંચ્યા, જ્યાં તેમની પત્ની પહેલેથી હાજર હતી. શાળાના બાકીના બાળકો પણ ગભરાઈ ગયા. બાળકોએ જણાવ્યું કે આરોપી મનોજે નિર્દયતાથી ગણેશને લાત અને મુક્કાથી માર્યો અને તેને જમીન પર પછાડ્યો પણ હતો. આ નિર્દયતાને કારણે ગણેશને લોહી નીકળ્યું હતું. સંબંધીઓના આગમન બાદ ઘાયલ બાળકને સાલાસરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ ગણેશને મૃત જાહેર કર્યો.

એસએચઓ સંદીપ બિશ્નોઈએ જણાવ્યું કે મૃતક ગણેશના પિતા ઓમપ્રકાશે શિક્ષક મનોજ કુમાર વિરુદ્ધ કલમ 302 હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. સાલાસર પોલીસે બાળકનો મૃતદેહ સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખ્યો છે. અહીં મૃતક વિદ્યાર્થીનું પોસ્ટમોર્ટમ ત્રણ તબીબોના મેડિકલ બોર્ડમાંથી કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં આ શિક્ષક પર કરોડો દેશવાસીઓ ફિટકાર વરસાવી રહ્યા છે.