khissu

પેટ્રોલ-ડીઝલની મોંઘી કિંમતો પર હાઇકોર્ટમાં અરજી, હાઇકોર્ટે પેટ્રોલિયમ મંત્રાલયને ફટકારી નોટિસ

હાલ પેટ્રોલ-ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે જબલપુર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ મોહમ્મદ રફીક અને જસ્ટિસ વિજય કુમાર શુક્લાની બેંચે એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા અરજી પર નોટિસ જારી કરી છે.

હાઈકોર્ટમાં ડબલ બેન્ચ કરશે સુનાવણી : પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતને કારણે જબલપુર હાઇકોર્ટમાં અરજી પડકારવામાં આવી હતી જેના માધ્યમથી નાગરિક ઉપભોક્તા મન્સ જબલપુરના સંયોજક મનીષશર્માએ પક્ષ રાખ્યો કે, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ-ડિઝલ પર સરકારે ૫% ટેક્સ લેવાનો નક્કી કર્યો હતો જેના બદલે ૫૧% ટેક્સ વસુલવામાં આવે છે. આમ આ મામલે ચીફ જસ્ટિસ મોહમ્મદ રફીક અને જસ્ટિસ વિજય કુમાર શુક્લાની બેંચમાં સુનાવણી થઈ.

અરજદારે શું અરજી કરી હતી ? : અરજદારે અરજીમાં જણાવ્યું હતું કે હાલ હજાર મિલીલીટર પેટ્રોલમાં ૭ થી ૧૦ ટકા એટલે કે ૭૦ થી ૧૦૦ મિલીલીટર સુધી ઇથેનોલ ભેળવવામાં આવી રહ્યું છે તેમ છતાં સરકાર પુરા ૧ હજાર મિલીલીટર પર ટેક્સ લગાવી રહી છે. જોકે તેઓએ ફક્ત ૯૦૦ મિલીલીટર પેટ્રોલની માત્રા પર જ ૫૧% ટેક્સ વસુલવો જોઈએ જ્યારે બાકીનું ૭૦ થી ૧૦૦ મિલીલીટર ઇથેનોલ પર ૫% થી વધુ ટેક્સ નહીં લેવો જોઇએ. પરંતુ એવું થતું નથી જેથી લોકોને પેટ્રોલ મોંઘુ મળી રહ્યું છે. 

જોકે આવનારા સમયમાં ઇથેનોલની માત્ર વધારીને 300 મિલીલીટર કરવામાં આવશે. આમ તેલ કંપનીઓ ઇથેનોલની માત્રા ૧૦% થી વધારી ૨૦૩૦ સુધીમાં ૩૦% સુધી કરવાનો ટાર્ગેટ છે પરંતુ સાચી રીતે તેને દર્શાવવામાં આવી રહ્યું નથી.

કેન્દ્ર સરકાર ૧૮% જ્યારે રાજ્ય સરકાર ૩૩% ટેક્સ વસૂલી રહી છે : અરજકર્તા મનીષ શર્મા તરફથી વકીલ શુશાંત શ્રીવાસ્તવે પક્ષ લીધો છે. આ અરજીમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય સહિત તમામ ઓઇલ કંપનીઓને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. વકીલ શૂશાંતે દલીલ કરી કે ૫% ટેક્સ વસુલવાને બદલે કેન્દ્ર સરકાર ૧૮% જ્યારે રાજ્ય સરકાર ૩૩% ટેક્સ વસૂલી રહી છે.