Top Stories
ખેડુતો માટે આવી ગઈ ખુશખબર, પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો હવે આ તારીખે થશે જમા

ખેડુતો માટે આવી ગઈ ખુશખબર, પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો હવે આ તારીખે થશે જમા

પીએમ ખેડૂત સન્માન નિધી યોજના હેઠળ ખેડૂતોને મળતા 2000 હજાર રૂપિયાના 16માં હપ્તાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા આપેલ અહેવાલ મુજબ આવતા બુઘવારે એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોને સરકાર તેમના 16માં હપ્તો પૂરો પાડશે. 16માં હપ્તા માટે કેન્દ્ર સરકાર 8 કરોડથી વધું ખેડૂતો માટે 18 હજાર કરોડથી વધુ રૂપિયા જાહેર કરશે.

જો કે ડિબીટી થકી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાંસફર કરવામાં આવશે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે આ યોજના 2019માં શરૂ કરતી હતી. જેના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6000 હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે.

ઘણા દિવસથી જોઈ રહ્યા હતા રાહ 
અત્યાર સુધી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 15 હપ્તામાં પૈસા આપવામાં આવ્યા છે. લાભાર્થી ખેડૂતો 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા, હવે આ રાહ પૂરી થઈ છે. કારણ કે, 16મો હપ્તો રિલીઝ થવાની તારીખ જાહેર થઈ ગઈ છે. 16મા હપ્તાના નાણાં 28 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ કરવામાં આવશે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વખતે પણ આ રકમ 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પહોંચશે. તમને જણાવી દઈએ કે ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે PM કિસાન યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી.

2.80 લાખ કરોડની સહાય આપવામાં આવી 
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા 15 હપ્તામાં 2.80 લાખ કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવી છે. જણાવી દઈએ કે ગયા વર્ષે 15 નવેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના ખુંટીથી દેશભરના નાના અને સીમાંત 8.11 કરોડ ખેડૂતો માટે 15મા હપ્તા તરીકે કુલ રૂ. 18.61 હજાર કરોડ જાહેર કર્યા હતા. ત્યારથી જ ખેડૂતોએ 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા.

શા માટે આપવામાં આવે છે રકમ 
પીએમ ખેડૂત સન્માન યોજના થકી કેન્દ્ર સરકાર ખેડૂતોને નાણાકીય સ્થિરતા પ્રદાન કરે છે અને તેઓ તેમની ખેતી અને કૃષિ પ્રવૃત્તિઓમાં સુધારો કરવામાં સક્ષમ થાય છે. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. પીએમ કિસાન યોજના હેઠળ, દરેક લાભાર્થી ખેડૂતના ખાતામાં 2-2 હજાર કરીને ત્રણ હપ્તામાં 6000 રૂપિયા મોકલવામાં આવે છે.