Top Stories
પ્રિ-મોન્સૂન આગાહી / ગુજરાતનાં ક્યાં-ક્યાં જીલ્લામાં આજે વરસાદ થઈ શકે?

પ્રિ-મોન્સૂન આગાહી / ગુજરાતનાં ક્યાં-ક્યાં જીલ્લામાં આજે વરસાદ થઈ શકે?

હવામાન ખાતાએ આગાહી કરી છે તે મુજબ ચોમાસુ 7 જૂન સુધીમાં કેરળથી વધુ આગળ ચાલીને મધ્ય અરબસાગર, દક્ષિણ મહારાષ્ટ્રના અલિબાગ, પુણે, કર્ણાટક, આંધ્રપ્રદેશ ના કેટલાક ભાગો અને તમિલનાડુને કવર કરી ચૂક્યું છે, આવનારા દિવસોમાં આવી જ રીતે પ્રબળ પરિબળો સાથે ચોમાસાની પ્રગતિ ચાલુ રહે તો દક્ષિણ ગુજરાતમાં 10-12 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જાય તેવી સંભાવનાઓ છે.

હાલના દિવસોમાં ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી સક્રિય છે, રાજ્યના અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. આજે પણ ગુજરાતમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, તાપી અને નર્મદા જિલ્લાઓ તથા દરિયાકિનારાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે ઝાપટા પડી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઉપરાંત મધ્ય પૂર્વ ઉત્તર ગુજરાતમાં વરસાદી ગતિવિધિમાં ઘટાડો થાય તેવી શક્યતા, મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો જેવા કે અમદાવાદ, વડોદરા અને અરવલ્લી જિલ્લામાં અમુક સ્થળોએ છુટા-છવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની સંભાવના ગણી શકાય.

બનાસકાંઠા, પાટણ આસપાસના વિસ્તારમાં એકાદ-બે સ્થળે ઝાપટા પડી શકે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તથા ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારમાં હળવા મધ્યમ ઝાપટા ગાજવીજ સાથે પડી  શકે છે. આ સિવાય રાજકોટ, પોરબંદર અને જામનગર જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં હળવા મધ્યમ ઝાપટાની સંભાવના છે. કચ્છના એકાદ વિસ્તારમાં હળવા ઝાપટા સિવાય મુખ્યત્વે વાતાવરણ સૂકું રહેશે, આ સિવાય રાજ્યના છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

ઈકાલે ગુજરાતના 45 તાલુકામાં વરસાદ વરસ્યો હતો: મહેસાણાના કડીમાં 2.7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નવસારી નાં વાસંદમાં 2.6 ઇંચ, અમરેલીના સાવરકુંડલામાં 1.6 ઇંચ, મોરબીના વાંકાનેરમાં 1.5 ઇંચ, સુરતના માંડવી માં 1.5 ઇંચ, અને ડાંગના વઘઈમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. આ વર્ષે ચોમાસાનું આગમન મોડું થયું છે ત્યારે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે સારું સાબિત થશે. હવામાન વિભાગ અનુસાર જૂનમાં વરસાદ સામાન્ય રહેશે.