રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને પગલે હવામાન વિભાગ એલર્ટ બન્યું છે. રાજ્યમાં બે દિવસ ભારે વરસાદને પગલે તાત્કાલિક બેઠક યોજાઇ હતી. બેઠક બાદ એનડીઆરએફની ટીમોને રાજકોટ અને ભૂજ માટે રવાના કરી છે. હવામાન વિભાગના આ એક્શનથી ગુજરાતમાં સારો વરસાદ પડશે તેવી પૂરેપૂરી સંભાવના દેખાય રહી છે.
હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી એટલે કે ૪૮ કલાક સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી જણાવી છે. બંગાળના સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાને કારણે ગુજરાતમાં તેમની અસર વર્તાવાની ચાલુ થઈ ચૂકી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જેવા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા ૨૪ કલાકમાં અડધાથી વધારે જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ (104mm-૪ ઇંચ) તાપીના કુકરમુડાં જોવા મળ્યો છે. ત્યાર બાદ છોટાઉદેપુરમાં 79.5mm, દાહોદમાં 66mm, ભરૂચમાં 70mm, સુરતમાં 57mm, અમદાવાદમાં 42mm વરસાદ પડયો છે.
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ 18થી 24 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડશે તેવી આગાહી જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે બંગાળના ઉપસાગરમાં વરસાદનું વહન થશે. દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલ વ્યક્ત કરી હતી.
18થી 20 તારીખમાં ગુજરાતમાં વરસાદ ચાલુ થઈ જશે, ત્યાર બાદ 21થી 23 અને 25થી 28 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદનું પ્રમાણ સારું જોવા મળશે. વરસાદના બે રાઉન્ડ પૂર્ણ થવા છતાં પણ ૪૧ ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે જે ઘટ આવનારા દિવસોમાં પૂર્ણ થશે.
ગુજરાત રાજ્યમાં પુનર્વસુ, પુષ્પ અને આશ્લેષા નક્ષત્ર પછી 16 તારીખથી વરસાદનાં મઘા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે. ભારતીય પંચાંગ અનુસાર 16/08/2021થી 29/08/2021 સુધી સૂર્ય મઘા નક્ષત્રમાં રહશે. મઘા નક્ષત્રનું વાહન ગધેડું છે. મઘા નક્ષત્રમાં ખંડ વૃષ્ટિ થતી હોય છે અથવા કોઈક વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ પડતો હોય છે. જે મુજબ હાલમાં વરસાદ ચાલુ છે. આગમી દિવસોમાં વરસાદ પ્રમાણ વધી શકે છે.