ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે. સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર સહિત ઘણા જિલ્લાઓમાં અતિભારે વરસાદ નોંધાયો છે. જામનગર (22+ ઇંચ વરસાદ) અને રાજકોટ (15+ ઇંચ વરસાદ)માં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જામનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં 20 ઇંચથી વધારે વરસાદ પડી ચૂક્યો છે.
હવામાન વિભાગ એલર્ટ
ભારે વરસાદને કારણે હવામાન વિભાગે એલર્ટ થયું છે. સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની 9 ટીમો તૈનાત છે અને વધુ પાંચ મોકલવામાં આવશે. હવામાન ખાતાએ એસડીઆરએફ (SDRF) અને એનડીઆરએફની (NDRF) ટીમોની સતર્ક કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં, જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા અને ખેડામાં તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને વલસાડ જિલ્લામાં આગામી બે દિવસ અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે.
રેડ એલર્ટ જાહેર
હવામાન ખાતાએ ભાવનગર, જામનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. સાથે પોરબંદર, જુનાગઢ, સોમનાથમાં પણ રેડ એલર્ટ અપાયું છે અને અહીંના લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. જ્યારે આગમી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવે છે.
હવામાન ખાતાએ મધ્ય ભારતના રાજ્યો સાથે ગુજરાતમાં પણ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો 15 તારીખે ફરીથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એલર્ટના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે.
ભારે વરસાદ પાડવાનું કારણ?
થોડા દિવસો પહેલા બંગાળની ખાડીમાં લો-પ્રેસર બની હતી જે ધીમે ધીમે આગળ વધીને ગુજરાત પર આવી હતી, ત્યાર પછી થોડી આગળ વધીને પૂર્વ રાજસ્થાન ઉપર પહોંચી હતી, જે સિસ્ટમ ફરીથી થોડી મજબૂત બનીને ગુજરાત ઉપર આવી છે જેમને કારણે આજે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. આવનાર 12-24 કલાક હજી ચાલુ રહી શકે છે.