ગુજરાત નજીક સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ગુજરાતના 2 જિલ્લાઓમાં રેડ એલર્ટ તો 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, સાથે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની ઓફિસિયલ વેબસાઈટ મુજબ ગુજરાતમાં 28 અને 29 તારીખે સાર્વત્રિક વરસાદની આગાહી છે. ગુલાબ વાવાઝોડાની અસરને કારણે શિઅર ઝોન રચાયું છે જેમને કારણે ઘણા ભાગોમાં અતિભારે વરસાદ પડશે.
મંગળવાર: 28 તારીખનાં રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને રાજકોટ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બીજા દરેક જિલ્લામાં યલો એલર્ટ છે.
બુધવાર:29 તારીખના રોજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, બોટાદ જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરામાં ઓરેન્જ એલર્ટ છે. ત્યારે એક વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. બાકીના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.
ગુરુવાર: 30 તારીખના રોજ સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. જ્યારે જામનગર, ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. જ્યારે બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. શુક્રવારે ગુજરાતનાં કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.
રેડ, ઓરેન્જ અને યલો એલર્ટમાં કેટલો વરસાદ પડી શકે?
રેડ એલર્ટ વાળા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે, તો યલો એલર્ટ વાળા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે.