15 સપ્ટેમ્બરની સવારની અપડેટ મુજબ બંગાળની ખાડીમાં બનેલ ડીપ-ડિપ્રેશન હાલમાં છત્તીસગઢ-ઝારખંડ રાજ્ય પર છે. જોકે આવનાર 24 કલાકમાં ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો-પ્રેશર અને લો-પ્રેશરમાં કન્વર્ટ થશે એટલે કે નબળું પડશે. જોકે તે સિસ્ટમ (ટ્રેક) ધીમે-ધીમે છત્તીસગઢ, મહારાષ્ટ્ર, દક્ષિણ રાજસ્થાન થઈને ગુજરાત-સૌરાષ્ટ્ર સુધી આવશે. જોકે ગુજરાત સુધી આવશે ત્યાં સુધીમાં ઘણી બધી નબળી પડી ચૂકી હશે. પરંતુ અનુકૂળ વાતાવરણ અને ભેજનું પ્રમાણ વધારે મળવાને કારણે ભારેથી અતિભારે વરસાદ આપી શકે છે.
હાલમાં ભારે વરસાદ કેમ અને ક્યાં પડી રહ્યો છે?
રાજસ્થાન પર રહેલી લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત પર આવતા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યો છે. જોકે તે લો-પ્રેશર સિસ્ટમની અસર આજથી ઘણી બધી ઘટી જશે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં આજે સૌથી વધારે વરસાદ પડે એવી શક્યતાઓ રહેલી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ જેવા જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે પણ આજે સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ( રાજકોટ, જામનગર અને જૂનાગઢ) રેડ એલર્ટ જાહેર કર્યું છે. સાથે બીજા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગમી 3 દિવસ સુધી ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે.
ચોમાસું ક્યારે વિદાય લેશે?
સામાન્ય રીતે 1 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ભારતમાંથી ચોમાસુ વિદાય લઇ લેતું હોય છે. આ વર્ષે 17 સપ્ટેમ્બર પછી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. જોકે વેધર મોડલ મુજબ ગુજરાતમાંથી ચોમાસુ 25 સપ્ટેમ્બર પછી વિદાય લેશે તેવું જણાઈ રહ્યું છે. આપ સૌ જાણો છો કે છેલ્લા બે વર્ષથી ચોમાસું મોડું વિદાય લઈ રહ્યું છે. પાછોતરા અતિભારે વરસાદ ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડી શકે છે.