Top Stories
khissu

બેંક કર્મચારીઓના સંગઠનો માર્ચના છેલ્લા અઠવાડિયે કરશે હડતાળ, બેંકિંગ સેવાઓ થઈ શકે છે પ્રભાવિત

 એસબીઆઈ બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા પહેલા તમે તમારું જરૂરી બેંકિંગ કામ પતાવી લેજો કારણ કે માર્ચ મહિનાની 28 અને 29 તારીખે એસબીઆઈ બેંક બંધ રહેશે.

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ મંગળવારે કહ્યું કે, વિવિધ કર્મચારી સંગઠનોએ 28 અને 29 માર્ચના રોજ બે દિવસીય હડતાળનું આહ્વાન કર્યું છે. જેનાથી બેંક સેવાઓને અસર થઈ શકે છે. સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અને બેંક લો એમેન્ડમેન્ટ બિલ 2021ના વિરોધમાં આ હડતાલ બોલાવવામાં આવી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અનુસાર, ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (આઈબીએ)એ તેમને આ અંગે જાણ કરી હતી. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) અને ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) એ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જવાના નિર્ણય અંગે નોટિસ આપી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વધુ માહિતી આપતા કહ્યું કે, "બેંકે હડતાળના દિવસોમાં તેની શાખાઓ અને કાર્યાલયોમાં સામાન્ય કામકાજ સુનિશ્ચિત કરવા માટે જરૂરી વ્યવસ્થા કરી છે. બેંક હડતાળ દરમિયાન સામાન્ય લોકોને સેવાઓ મેળવવામાં કોઇ સમસ્યા ન થાય તે માટે અમે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.''