હાલમાં જે સમાચાર મળ્યા છે તે મુજબ ઓનલાઈન મની ટ્રાન્સફર કરવા પર SBI (સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા) એ ચાર્જમાં વધારો કર્યો છે. શું તમે પણ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના ગ્રાહક છો? તો આ સમાચાર તમારા માટે છે. હવે, SBI ગ્રાહકોને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા મોંઘા પડશે, કારણ કે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ તાત્કાલિક ચુકવણી સેવા (IMPS)ની મર્યાદા વધારી દીધી છે. તેથી હવે ગ્રાહકોએ આ હેઠળ વધુ ચાર્જ ચૂકવવો પડશે. મળતી માહિતી મુજબ 1લી ફેબ્રુઆરી 2022થી IMPS વ્યવહારો માટે નવો સ્લેબ ઉમેરવામાં આવશે. IMPS દ્વારા રૂ. 2 લાખથી રૂ. 5 લાખની વચ્ચે પૈસા મોકલવા પર 20 રૂપિયા પ્લસ GST ચાર્જ લાગશે.
IMPS એટલે કે તાત્કાલિક મોબાઇલ ચુકવણી સેવા, જેના દ્વારા કોઈપણ ખાતા ધારકને કોઈપણ સમયે નાણાં મોકલી શકાય છે. આ અંતર્ગત પૈસા મોકલવાના સમય પર કોઈ પ્રતિબંધ નથી. તમે IMPS દ્વારા માત્ર થોડીક સેકન્ડમાં, દિવસના 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. આ સેવા દ્વારા, તમે માત્ર કોઈને પૈસા જ મોકલી શકતા નથી, પરંતુ તે સિવાય પણ ઘણા કાર્યો કરી શકો છો.
જેમ કે, ઓનલાઈન શોપિંગ, પોલિસી પ્રિમીયમ ભરવા, શાળા અને કોલેજની ફી અને અન્ય બિલ ભરવા વગેરે. IMPS દ્વારા, ગ્રાહકો એક દિવસમાં વધુમાં વધુ રૂ. 5 લાખ સુધીનો વ્યવહાર કરી શકશે. એ બાબત સ્પષ્ટ છે કે, પહેલા આ મર્યાદા 2 લાખ રૂપિયા હતી, પરંતુ હાલમાં ભારતીય રિઝર્વ બેંક(RBI)એ IMPS દ્વારા ટ્રાન્ઝેક્શન કરવા માટેની રકમની મર્યાદા રૂ.2 લાખથી વધારીને રૂ.5 લાખ કરી દીધી છે.
નીચે મુજબ વસૂલાશે ચાર્જ
રૂ.1,000 સુધીની રકમ ટ્રાન્સફર કરવા માટે કોઈ ચાર્જ નથી. જ્યારે, રૂ. 1001 થી રૂ. 10,000 ટ્રાન્સફર કરવા પર રૂ. 2 પ્લસ GST ચાર્જ લાગશે. બીજી તરફ, રૂ. 10,001 થી રૂ. 1 લાખ ટ્રાન્સફર કરવા પર રૂ. 4 પ્લસ GST લાગશે. આ સિવાય જો તમે 1,00,001 રૂપિયાથી 2 લાખ રૂપિયાનું ટ્રાન્સફર કરો છો, તો તમારે 12 રૂપિયા ઉપરાંત GST ચાર્જ ચૂકવવો પડશે. અને જો તમે રૂ. 2,00,001 થી રૂ. 5 લાખ ટ્રાન્સફર કરશો તો તમારે રૂ. 20 પ્લસ GST ચાર્જ ચૂકવવો પડશે.