ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ યથાવત રાખ્યો છે, પરંતુ ઘણી બેંકોએ લોન પર વ્યાજ વધારવાનું શરૂ કરી દીધું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફરી એકવાર હોમ લોનના વ્યાજમાં વધારો કર્યો છે.
આનો અર્થ એ છે કે હવે તમારે તમારી લોન પર વધુ EMI ચૂકવવી પડશે. RBIની મોનેટરી પોલિસી મીટિંગના થોડા દિવસો બાદ SBIએ વ્યાજમાં વધારાની જાહેરાત કરી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ 15 જૂનથી તમામ કાર્યકાળ માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં 10 બેસિસ પોઈન્ટ અથવા 0.1%નો વધારો કર્યો છે. SBIના આ પગલાથી MCLR સંબંધિત તમામ પ્રકારની લોનની EMI વધશે. આનો અર્થ એ છે કે હવે તમારે પહેલા કરતા દર મહિને લોન પર વધુ EMI ચૂકવવી પડશે.
કયા કાર્યકાળ પર MCLR કેટલું છે?
SBI ના વધારા સાથે, એક વર્ષનો MCLR 8.65% થી વધીને 8.75% થયો છે, રાતોરાત MCLR 8.00% થી વધીને 8.10% થયો છે અને એક મહિના અને ત્રણ મહિનાનો MCLR 8.20% થી વધીને 8.30% થયો છે. છ મહિનાનો MCLR હવે 8.55% થી વધીને 8.65% થઈ ગયો છે. વધુમાં, બે વર્ષનો MCLR 8.75% થી વધીને 8.85% અને ત્રણ વર્ષનો MCLR હવે 8.85% થી વધીને 8.95% થયો છે.
રેપો રેટ સંબંધિત લોન પર કોઈ અસર નહીં
તમને જણાવી દઈએ કે હોમ અને ઓટો લોન સહિત મોટાભાગની રિટેલ લોન એક વર્ષના MCLR દર સાથે જોડાયેલી છે.
MCLRમાં વધારાની RBI રેપો રેટ અથવા ટ્રેઝરી બિલ યીલ્ડ જેવા બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલી લોન લેતા ગ્રાહકો પર કોઈ અસર થતી નથી. ઓક્ટોબર 2019 થી, SBI સહિતની બેંકો માટે નવી લોનને આ એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે લિંક કરવી ફરજિયાત બની ગઈ છે.
SBIએ બોન્ડ દ્વારા $100 મિલિયન એકત્ર કર્યા
SBI એ પણ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેણે બિઝનેસ વૃદ્ધિને ટેકો આપવા માટે બોન્ડ દ્વારા $100 મિલિયન (આશરે રૂ. 830 કરોડ) એકત્ર કર્યા છે.
ત્રણ વર્ષની પાકતી મુદતવાળી ફ્લોટિંગ રેટ નોટ્સ અને વાર્ષિક +95 બેસિસ પોઈન્ટ્સનો સુરક્ષિત ઓવરનાઈટ ફાઈનાન્સિંગ રેટ (SOFR) 20 જૂન, 2024ના રોજ SBIની લંડન શાખા દ્વારા જારી કરવામાં આવશે.