Top Stories
ખેડૂતોને પડ્યા પર પાટું,  રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી. હજી કેટલા દિવસ આગાહી?

ખેડૂતોને પડ્યા પર પાટું, રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી. હજી કેટલા દિવસ આગાહી?

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દક્ષીણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં કમોસમી માવઠું થવાની સંભાવના છે. તો બીજી બાજુ રાજ્યમાં આ વર્ષે ચોમાસું લંબાયું હતું સાથે જ અતિવૃષ્ટિ પણ થઈ હતી. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતું ત્યારે હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતમાં કેટલીક જગ્યાએ કમોસમી વરસાદની જોવા મળ્યો છે, તો કેટલીક જગ્યાએ હળવા છાંટા પડતા ખડૂતો પાકને લઈને ચિંતામાં મુકાઈ ગયા છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે.

દક્ષીણ ભારતમાં તામીલનાડુ તેમજ આંધ્રપ્રદેશ માં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન  વિભાગે કહ્યું કે આગામી 120 કલાક દરમિયાન બંગાળની ખાડી પર ચક્રવાતનું દબાણ સર્જાવાની સંભાવના શૂન્ય છે. વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે નીચા દબાણનો વિસ્તાર 18 નવેમ્બર સુધીમાં પશ્ચિમ તરફ આગળ વધીને દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તેની નજીકના ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે પહોંચવાની ધારણા છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે 18 નવેમ્બરે તમિલનાડુના તિરુવલ્લુર, ચેન્નાઈ, કાંચીપુરમ અને રાનીપેટ્ટાઈ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

ગઈ કાલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.  બપોર બાદ સુરતમાં વાદળછાયું વાતાવરણ બદલાઈ ગયુ હતું તથા કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, ખેડૂતોનો શિયાળું પાક નિષ્ફળ ન જાય તેની ચિંતામાં જોવા મળી રહ્યા છે. માવઠામારથી  ખેડૂતોના પાકને વધુ નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. હાલ ગુજરાતમાં ત્રણ ઋતુ ભેગી થઈ હોય તેવું વાતાવરણ બન્યું છે. ગરમી, ઠંડી, અને હવે વરસાદના વરતારાથી લોકો પણ ચિંતામાં મુકાયા છે.

 શામળાજી સહિતના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેથી શામળાજી ખાતે ચાલતા ત્રિ-દિવસીય કાર્તિકી મેળામાં આવેલા ભક્તોએ હાલાકી વેઠવી પડી હતી. વેપારીઓએ લગાવેલા ટેન્ટ પલળી ગયા છે. મહેસાણાના બહુચરાજીમાં માવઠું પડ્યુ. વહેલી સવારે પડેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

રાજ્યમાં માવઠાની આગાહી 17 થી 20 તારીખ સુધી છે. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે. 20 તારીખે દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાત રિજિયન, જેમાં અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા, મહીસાગર, મહેસાણા અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે.