હાલમાં વરસાદની ગેરહાજરીને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. હવામાન વિભાગના આંકડા મુજબ બુધવારે અમદાવાદમાં દિવસ દરમિયાન પવન વચ્ચે ગરમી અને બફારાનું જોર યથાવત્ રહ્યું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૧.૭ ડિગ્રી વધીને ૩૯ ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ૦.૪ ડિગ્રી વધીને ૨૮.૪ ડિગ્રી નોંધાયું હતું જેને કારણે લોકો ગરમી અને બફારાથી હેરાન થઈ ચૂક્યા હતા.
હવામાન વિભાગની આગોતરી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ૨૦ જૂન પછી ચોમાસુ બેસવાની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં હાલ ચોમાસુ પહોંચી ગયું છે. હાલ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થવાની આગાહી કરી છે. આ ઉપરાંત બંગાળાની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શકયતા દેખાઈ રહી છે જેને કારણે ૧૪ જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બેસી જશે.
આ ઉપરાંત હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી ૨૦ જૂન પછી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે અને જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં વિધિવત ચોમાસું બેસી જશે.વધુમાં એ પણ જણાવ્યું કે, ૧૨ જુલાઈથી ૧૫ જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાશે અને ત્યારબાદ સારો વરસાદ પડી શકે છે.
હાલ રાજ્યમાં ઘણા વિસ્તારમાં વરસાદી માહોલ સાથે ઝાપટાં પણ પડી રહ્યા છે જે જોતા એવું કહી શકાય કે ૧૧મી જૂનથી લઈ ૧૩મી જૂન સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ગીર-સોમનાથ, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે.
જ્યારે આ બાજુ દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે દક્ષિણ ગુજરાત, ગોવા, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં ૧૧ થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
દોસ્તો, હવામાન વિભાગની આગાહી તેમજ ગુજરાતમાં વરસાદના આગમન કે પછી કોઈપણ હલચલ વિશેના સમાચાર જાણતાં રહેવા અમારી khissu ની એપ્લિકેશનને પ્લે સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરી લો.