પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF એ ભારતમાં સૌથી લોકપ્રિય બચત યોજનાઓમાંની એક છે. તેમાં કરેલું રોકાણ સુરક્ષિત રહે છે ઉપરાંત સારું વળતર અને કર મુક્તિના કારણે તેની લોકપ્રિયતા ઘણી વધી છે. હાલમાં, PPF પર વાર્ષિક 7.1%ના દરે વ્યાજ આપવામાં આવે છે. આ એક ખૂબ જ આકર્ષક વ્યાજ દર છે. આ જ કારણ છે કે ઘણા લોકો PPFમાં રોકાણ કરે છે.
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના નિયમો અનુસાર, કોઈ વ્યક્તિ પોતાના નામે માત્ર એક PPF ખાતું ખોલાવી શકે છે. પરંતુ EPFO તે વ્યક્તિને તેના સગીર બાળકના નામે PPF ખાતું ખોલાવવાની સુવિધા આપે છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે માતા-પિતા માત્ર એક બાળકના નામે PPF ખાતું ખોલાવી શકે છે. જો કોઈને બે બાળકો છે, તો એક સગીર બાળકનું પીપીએફ ખાતું માતા અને બીજાના પિતા ખોલાવી શકે છે.
500 રૂપિયાથી શરૂ કરો રોકાણ
સગીરના PPF ખાતા માટે, નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા PPF ખાતામાં જમા કરાવી શકાય છે. પરંતુ જો માતા-પિતાનું પણ પોતાનું પીપીએફ ખાતું હોય, તો તેમના પોતાના ખાતા અને સગીરના પીપીએફ ખાતા બંનેની મહત્તમ રોકાણ મર્યાદા વાર્ષિક રૂ. 1.5 લાખ હશે.
કર મુક્તિ
PPFની ખાસ વાત એ છે કે તેમાં સંપૂર્ણ ટેક્સ છૂટ મળે છે. આમાં, રોકાણ કરેલી રકમ, રોકાણમાંથી મળતું વ્યાજ અને રોકાણની સંપૂર્ણ રકમ પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. PPF પર દર ત્રણ મહિને વ્યાજ દર બદલાય છે. તેની એક વિશેષતા એ છે કે PPF એકાઉન્ટ દેવું અથવા અન્ય જવાબદારી સમયે કોઈપણ કોર્ટ અથવા આદેશ દ્વારા જપ્ત કરી શકાતું નથી.
એકાઉન્ટનું સંચાલન
સગીર બાળક 18 વર્ષનું થઈ જાય પછી એકાઉન્ટનું સ્ટેટસ બદલવા માટે અરજી કરવાની રહેશે. આ પછી, જે બાળક પુખ્ત બની ગયું છે તે પોતાનું એકાઉન્ટ જાતે જ સંભાળી શકે છે. બાળકના ઉચ્ચ શિક્ષણ અથવા બીમારીની સારવાર જેવા વિશેષ કેસ માટે પણ એકાઉન્ટ પાંચ વર્ષ પછી બંધ કરી શકાય છે.
PPF એકાઉન્ટ 15 વર્ષમાં પરિપક્વ થાય છે. 15 વર્ષ પછી તમે તેમાંથી તમામ પૈસા ઉપાડી શકો છો. આ સિવાય તેને 5-5 વર્ષ માટે પણ વધારી શકાય છે. આનો અર્થ એ છે કે 15 વર્ષ પછી પણ જો તમને પૈસાની જરૂર નથી, તો તમે પાંચ વર્ષ સુધી તેમાં વધુ રોકાણ કરવાનું ચાલુ રાખી શકો છો.
જરૂરી દસ્તાવેજો
બાળકના નામે PPF ખાતું ખોલાવવા માટે અમુક દસ્તાવેજોની જરૂર પડે છે. આના માટે બાળકનો ફોટોગ્રાફ, બાળકની ઉંમરનો પુરાવો જેમ કે આધાર અથવા જન્મનું પ્રમાણપત્ર, ગાર્ડિયનના KYC દસ્તાવેજો અને પ્રારંભિક યોગદાન માટે બેંક ચેકની જરૂર પડશે.