શું તમે જાણો છો બેંકમાં વધુ પૈસા રાખવાથી પણ થશે નુકશાન

શું તમે જાણો છો બેંકમાં વધુ પૈસા રાખવાથી પણ થશે નુકશાન

વર્તમાન સમયમાં મોટા ભાગ લોકો વધારાના પૈસા બેંકમાં રાખતા હોય છે. જેથી તે સુરક્ષિત રહે. કોઈ બેંકમાં એફડી કરાવે છે તો કોઈ સેવિંગ એકાઉન્ટમાં જમા રાખતા હોય છે. એવામાં ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે આપણે બેંક ખાતામાં કેટલા પૈસા જમા રાખી શકીએ.

તો ઘણીવાર કેટલાક લોકોને એવું પણ લાગે છે કે આપણે 5 લાખથી વધુ રોકડ બેંક ખાતામાં જમા નતી રાખી શકતા. આમ બેંકોમાં પૈસા જમા રાખવાને લઈને લોકોના મનમાં ઘણી શંકા-કુશંકા રહેલી છે. કેટલાક લોકોનું માનવું છે કે પાંચ લાખથી વધુ રકમ બેંકમાં રાખી શકાય નહીં. અન્યથા લોકોને લાગે છે કે જો તમે બેંકમાં વધુ પૈસા રાખશો તો આઈટી વિભાગ તેમને નોટિસ ફટકારશે.

આ ઉપરાંત તમે ઘણા લોકોને એવુ કહેતા સાંભળ્યા પણ હશે કે, બેંકમાં વધારે પૈસા ન રાખવા જોઈએ, પરંતુ તેનું કારણ તે પોતે પણ જાણતો હોતો નથી. હકિકતમાં બેંક અને પૈસાને લઈને લોકોમાં ઘણી ગેરસમજ ઉભી થયેલી છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે બેંકમાં 5 લાખ રૂપિયાથી વધુ ન રાખવા જોઈએ, તો તમને જણાવી દઈએ કે એવો કોઈ નિયમ નથી.

નોંધનિય છે કે, તમે તમારા બેંક ખાતામાં ઈચ્છો તેટલા રૂપિયા રાખી શકો છો. જો કે, બેંક ડૂબવા અથવા નાદારી થવાના કેસમાં નિયમ કહે છે કે સરકાર તમને 5 લાખ રૂપિયા આપશે, એટલે કે, એમ કે બેંક પાસે પાંચ લાખ રૂપિયા સુધીની સુરક્ષાની ગેરંટી છે. નોંધનિય છે કે, જો તમારા બેંક ખાતામાં 5 લાખ રૂપિયા જમા છે અને તે સંબંધિત બેંક નાદાર બની જાય છે તો તમારા 5 લાખ રૂપિયા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે અને કદાચ આ કારણે જ લોકો કહેતા હશે કે પાંચ લાખ રૂપિયાથી વધુ બેંકમાં ન રાખવા જોઈએ. જો કે જમા રકમ અંગે કોઈ નિયમ નથી.

તમને જણાવી દઈએ કે, બેંકમાં વધુ પૈસા રાખવાના પણ કેટલાક ગેરફાયદા પણ છે. સૌથી પહેલા તો બેંક ખાતામાં વધારે પૈસા હોવાના કારણે તમે ઈન્કમ ટેક્સની નજરમાં આવી શકો છો. જો કે, તેના વિશે પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા પૈસા પર ઈન્કમ ટેક્સની નોટિસ ત્યારે જ આવશે જ્યારે તે પૈસાનો સ્ત્રોત ખબર ન હોય. તેથી, તમારે બેંકમાં જમા તમારા પૈસાની સંપૂર્ણ વિગતો રાખવી પડશે, પૈસા ક્યાંથી આવ્યા, તમારા ખાતામાં કેવી રીતે જમા થયા તે બધી વિગતો રાખવી અનિવાર્ય છે.

નોંધનિય છે કે, જો તમારી પાસે તમારા બેંક ખાતામાં વધુ પૈસા જમા છે અને તમે આવકવેરાની સામે તે નાણાંનો સ્ત્રોત સાબિત કરી શકતા નથી, તો સમસ્યા ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારું બેંક ખાતું ફ્રીઝ કરી શકાય છે, તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. તો બીજી તરફ બચત ખાતામાં વધુ પૈસા રાખવાનો એક ગેરફાયદો એ છે કે જમા રકમ પર વ્યાજ ઓછું હોય છે. આવી સ્થિતિમાં બેંકમાં વધુ પૈસા જમા કરાવવાનો કોઈ ફાયદો નથી. નિષ્ણાતો કહે છે કે ફિક્સ ડિપોઝિટ કરવી અથવા તે પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું વધુ સારું રહેશે. તેના પર વ્યાજ વધુ રહેશે એટલે કે તમને વધુ નફો મળશે.