ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટ ઘટાડ્યો અને પબ્લિક સેક્ટરની બેંક ઓફ બરોડાએ સહેજ પર વિલંબ કર્યા વગર ગ્રાહકો સુધી આ ફાયદો પહોંચાડી દીધો. જેવો રેપો રેટ 5.25 ટકા થયો, બેંકે પણ પોતાનો લેન્ડિંગ રેટ ઘટાડી દીધો એટલે લોનનો વ્યાજ દર ઘટાડી દીધો. આનાથી જેમની બેંક ઓફ બરોડામાં લોન ચાલી રહી હોય, તેમને જોરદાર ફાયદો થશે. આ ઉપરાંત જેઓ નવી લોન લેવા ઈચ્છે છે, તેમને પણ ઘણો ફાયદો થશે
બેંકે જણાવ્યું કે, બરોડા રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (BRLLR)ને 8.15 ટકાથી ઘટાડીને 7.90 ટકા કરી દેવામાં આવ્યો છે. આ નવા દરો 6 ડિસેમ્બર 2025થી અમલમાં આવી ગયા છે. આ પગલું RBI દ્વારા રેપો રેટને 5.50 ટકાથી ઘટાડીને 5.25 ટકા કર્યા બાદ લેવામાં આવ્યું છે. બેંકનું માર્કઅપ 2.65% પહેલાં જેવું જ રહેશે. રેપો રેટમાં ઘટાડાનો સીધો લાભ હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન લેનારા ગ્રાહકોને મળશે, કારણ કે તેમની EMI ઘટી શકે છે.
બેંક ઓફ બરોડાનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે RBIએ પોતાની MPC બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષ 2025-26નો GDP ગ્રોથ ફોરકાસ્ટ વધારીને 7.3% કરી દીધો છે. અગાઉ આ અંદાજ 6.8 ટકા હતો. ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ત્રિમાસિક ગાળામાં ગ્રોથ રેટ 7 ટકા અને જાન્યુઆરી-માર્ચ 2026 ત્રિમાસિક ગાળામાં 6.5 ટકા રહેવાનું કહેવાયું છે. તેમજ એપ્રિલ-જૂન 2026 ત્રિમાસિક ગાળામાં ગ્રોથ રેટ 6.7 ટકા અને જુલાઈ-સપ્ટેમ્બર 2026 દરમિયાન 6.8 ટકા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. મલ્હોત્રાએ કહ્યું કે, મહત્ત્વના આંકડા ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં આર્થિક ગતિવિધિઓમાં તેજીના સંકેત આપી રહ્યા છે. ખેતીમાં સારી શક્યતાઓ, GSTને વધુ તર્કસંગત બનાવવાનાં પગલાં, કંપનીઓની સારી બેલેન્સ શીટ જેવા પરિબળો આર્થિક ગતિવિધિઓને સપોર્ટ આપતાં રહેશે
RBIએ ઘટાડ્યો રેપો રેટ - RBIએ ફેબ્રુઆરી 2025થી અત્યાર સુધીમાં 4 વખતમાં કુલ 1.25 ટકા રેપો રેટ ઘટાડ્યો છે. જોકે ઓગસ્ટ અને ઓક્ટોબરની બેઠકોમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. તેને 5.5 ટકા પર જ યથાવત્ રાખવામાં આવ્યો હતો.