હાલ પૂર આવી ગયા પછી પાળ બાંધવા જેવી સ્થિતિ સામે આવી રહી છે. સરકારી અધિકારીઓ રાતોરાત નિર્ણયો લઈ રહ્યા છે. તંત્રના અણધડ વહીવટથી લોકો મુશ્કેલીમાં મુકાયા.
કોરોના પર કાબૂ મેળવવા લેવાયો મહત્વનો નિર્ણય : કોરોના પર કાબૂ મેળવવા ચાર સચિવોને જવાબદારી સોંપવામાં આવી. જેમાં અમદાવાદની જવાબદારી અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાને સોંપાઈ જ્યારે સુરતની જવાબદારી GIDCના મેનેજિંગ ડિરેક્ટર એન.થેન્નારસનને સોંપાઈ તેવી જ રીતે રાજકોટની જવાબદારી ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તાને સોંપાઈ અને વડોદરાની જવાબદારી શિક્ષણ સચિવ વિનોદ રાવ અને નાણાં સચિવ મિલિંદ તોરવણેને સોંપાઈ.
અમદાવાદ AMC નો મહત્વનો નિર્ણય : હવે ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર માટે પૈસા ચૂકવવા પડશે. જો કોરોનાની મફત સારવાર જોઈતી હોય તો ફરજિયાત સરકારી હોસ્પિટલોમાં જ દાખલ થવું પડશે. જે અગાઉ કોર્પોરેશને અમુક ખાનગી હોસ્પિટલો સાથે MOU કર્યા હતાં જેથી દર્દીઓ મફત સારવાર મેળવી શકતા હતાં. જોકે હવે કોર્પોરેશને નિર્ણય બદલી નાખ્યો છે અને ખાનગી હોસ્પિટલો સાથેના MOU રદ કરી નાખ્યાં જેથી હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોના સારવાર માટે પૈસા ચૂકવવા પડશે.
અમદાવાદમાં પણ બસ સેવા બંધ : અમદાવાદમાં મચ્યો કોરોના હાહાકાર. સુરતની જેમ અમદાવાદમાં પણ આજથી AMTS અને BRTS બસની સેવા બંધ કરવામાં આવી. આ ઉપરાંત ખાનગી તેમજ સરકારી ગેમ ઝોન્સ, સ્પોર્ટ્સ ક્લબ, જીમ અને બગીચાઓ બંધ રહેશે. જોકે રિવરફ્રન્ટ અને કાંકરીયા તળાવ પહેલેથી જ બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી.
ખાનપુરમાં સંપૂર્ણ લોકડાઉન લાગવાયું : વડોદરા જીલ્લાનાં ખાનપુર ગામે એક અઠવાડિયામાં કોરોનાના ૪૭ કેસ આવ્યાં જેથી ગામમાં હાહાકાર મચી ગયો હયો. જોકે કોરોનાથી એક વૃદ્ધનું મોત થતાં ખાનપુર ગ્રામ પંચાયતે ૩૧ માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું.
ગુજરાતમાં શાળા-કોલેજો બંધ : ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા વાલીઓ ચિંતામાં મુકાઈ ગયાં હતાં. તેથી વાલીઓ ઓફલાઈન શિક્ષણના બદલે ઓનલાઈન શિક્ષણ કરવાની માંગ કરી હતી. જેને ધ્યાને લઇ સરકારે મહત્વનો નિર્ણય લીધો. જે મુજબ રાજ્યના ૮ મહાનગરોમાં ૧૦ એપ્રિલ સુધી શાળા-કોલેજો બંધ રહેશે. જોકે મહાનગરો સિવાયના જિલ્લાઓમાં સ્વૈચ્છીક રીતે વિદ્યાર્થીઓ શાળાએ જઇ શકશે.
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ : મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૩,૧૭૯ નવા કેસ નોંધાયા. જોકે સાજા થનાર દર્દીઓની સંખ્યા ૯૧૩૮ છે અને ૮૪ દર્દીઓના મોત થયાં. હાલ મહારાષ્ટ્રમાં ૧,૫૨,૭૬૦ કેસ એક્ટિવ છે.