Top Stories
હવામાન અને અંબાલાલ પટેલની આગાહી...

હવામાન અને અંબાલાલ પટેલની આગાહી...

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે નવું લો-પ્રેશર બંગાળની ખાડીમાં ૨૨ જુલાઈથી બનશે જેમને કારણે ૨૨થી ૨૫ જુલાઇ દરમિયાન સાર્વત્રિક વરસાદ થશે.

  • 22 જુલાઇ દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે
  • 22 થી 25 જુલાઇ દરમિયાન વરસાદ જોર વધશે
  • રાજ્યમાં સિઝન નો 24.64 ટકા વરસાદ થયો
  • છેલ્લાં 24 કલાક માં 111 તાલુકામાં વરસાદ
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ આગાહી

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.14 વરસાદ પડ્યો છે. જો કે ગયા વર્ષની સ્થિતિ મુજબ આ વર્ષે ૧૩ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગાહી કરતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દક્ષિણ ગુજરાતમા નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડે એવી આગાહી વ્યક્ત કરી છે. 

હવામાન વિભાગે જણાવ્યું છે કે ૨૧ જુલાઇથી ફરી ચોમાસું સક્રિય બનશે અને ૨૨ જુલાઈથી ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતનાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે મધ્ય ગુજરાતની અંદર ગાંધીનગર, વડોદરા અને આણંદમાં પણ મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ ખેંચાયો છે. દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ પડી ચૂક્યો છે. પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગો વરસાદથી વંચિત છે ત્યારે ધીરે ધીરે બંગાળના ઉપસાગરમાં લો પ્રેસરનું વહન ચાલુ થશે અને ઓરિસ્સા થી મધ્યપ્રદેશ તરફ વહન આવતા મધ્ય પ્રદેશના ભાગોમાં ભારે વરસાદ પડશે જેમને કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.