Top Stories
આજથી નક્ષત્ર બદલાયું / જાણો ક્યું નક્ષત્ર, કેટલો વરસાદ, કયું વાહન? મીની વાવાઝોડું અસર?

આજથી નક્ષત્ર બદલાયું / જાણો ક્યું નક્ષત્ર, કેટલો વરસાદ, કયું વાહન? મીની વાવાઝોડું અસર?

"જો વરસે ઓતરા, તો કાઢે છોતરા"
"જો વરસે ઓતરા, તો ધાન ન ખાય કુતરા"
આ બે કહેવતો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર માટે પ્રખ્યાત છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચોમાસાના વિદાય સમયનુ પ્રથમ નક્ષત્ર ગણવામાં આવે છે. સામાન્ય રીતે આ નક્ષત્રથી ચોમાસાની વિદાય ચાલુ થતી હોય છે. જો આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પાણીના તળ ઊંચા આવતા હોય છે.

"જો વરસે ઓતરા, તો ધાન ન ખાય કુતરા"
કહેવતમાં કહેવાયું છે કે આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો ધાન્ય પાકોને નુકસાન પહોંચે છે. કેમ કે મોટાભાગના પાકો હવે કાપણીની (પાકવાની) સ્થિતિમાં હોય છે. જે પાકતા પાકને અતિભારે વરસાદ નુકશાન પહોંચાડી શકે છે અને તે પાક ખાવા લાયક રહેતા નથી.

આજથી રાજ્યમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત 
આજથી ગુજરાતમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઇ ચૂકી છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન ભેંસ છે. 13 તારીખથી 26 તારીખ સુધી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચાલુ રહેશે. 13 તારીખે 03:08 વાગે નક્ષત્રની શરૂઆત થશે. વેધર મોડલ મુજબ આ નક્ષત્રની શરૂઆતમાં સારો વરસાદ પડશે.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદની શકયતાં?
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન ભેંસ છે અને ભેંસને પાણી ગમતું હોય છે. માટે વરસાદ પડવાની શક્યતા થોડી વધારે છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પવન સાથે વરસાદ પડતો હોય છે. જો સારો વરસાદ પડે તો પાણીની સમસ્યાનો હલ થઇ જતો હોય છે. વેધર મોડલ મુજબ પણ નક્ષત્રના શરૂઆતના અઠવાડિયામાં ગુજરાતના કોઈ-કોઈક ભાગમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે.

મિની વાવાઝોડું તૈયાર
હાલમાં ગુજરાત રાજ્ય પર જે વરસાદ પડી રહ્યો છે તે પૂર્વ રાજસ્થાન પર રહેલી સિસ્ટમ ફરીથી ગુજરાત પર આવી છે તેમનો છે. છેલ્લા ૨૪ કલાકમાં ઘણા જિલ્લાઓમાં સારો વરસાદ પડયો છે. ગુજરાતમાં ૫થી વધારે જિલ્લાઓ એવા છે કે જ્યાં ૪ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

જોકે, બીજીબાજુ બંગાળની ખાડીમાં મોટું લો-પ્રેસર બની ચૂક્યું છે. લો-પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન સુધી જઇને ડીપ-ડિપ્રેશન સુધી ગઈ છે. હજુ પણ મજબૂત અવસ્થામાં ફેરવાય તેવી શક્યતાઓ રહેલી છે. એટલે કે એક મીની વાવાઝોડું કહી શકાય. આ મીની વાવાઝોડાની અસર ગુજરાતમાં 14,15 અને 16 તારીખ દરમિયાન જોવા મળશે.

આગાહીના દિવસો દરમિયાન ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. જો કે આવનાર બે દિવસ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેશે. હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ગતરાત્રીથી જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે.